Thursday, 17 October 2013

Understanding Navkar 7.. નવકારની સમજ 7


નવકારની સમજ

સાતમો લેખ


કેવળજ્ઞાની અરિહંતોને શાશ્વત કાલ માટે પૂરેપૂરું સમજાઈ ગયું છે કે પોતે પૌદ્ ગલિક દેહ નથી પણ શુદ્ધ આત્મા છે અને પોતાનાં શુદ્ધ આત્મા સિવાય બીજું કંઈ પણ પોતાનું નથી અને પોતાનું થઇ શકે એમ નથી.
આમ પોતે મનુષ્યદેહ છે એવો તેમનો (ભ્રમ) મોહ, પોતાનાં શુદ્ધ આત્મા સિવાયના જડ નામ, હોદ્દો, ચીજો  અને દેહધારી ચેતન જીવો પોતાનાં છે એવો તેમનો (ભ્રમ) મોહ, પાંચ ઇન્દ્રિયોના વિષયભોગો, માનસિક વિષયભોગો અને જાતીય વિષયભોગો ભોગવવાથી સુખશાંતિ થાય છે એવો તેમનો (ભ્રમ) મોહ શાશ્વત કાલ માટે પૂરેપૂરો દૂર થઇ ગયો છે. ક્રોધ, માન (એટલે કે મદ અને અભિમાન), માયા-કપટ અને લોભ એ ચાર કષાયો નકામા અને નુકશાન કરનારા છે તથા હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંષકવેદ એ નવ નોકષાયો કષાયો ઉપજાવનારા છે એ તેમને પૂરેપુરું સમજાઈ ગયું છે અને શાશ્વત કાલ માટે યાદ રહી ગયું છે, તેથી તેમનો મોહનીયકર્મ શાશ્વત કાલ માટે પૂરેપૂરો દૂર થઇ ગયો છે. તેથી આ મોહનીયકર્મના આધારે ટકી રહેલા અંતરાયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મ, એ ત્રણેય કર્મો શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થઇ ગયા છે.

પરંતુ હજી તેમના આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ, એ ચાર કર્મો બાકી હોવાથી અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરૂલઘુતા અને અવ્યાબાધપણું, એ ચાર આત્મિક ગુણો સિવાયના બધા આત્મિક સદ્-ગુણો જેવાકે, અનંત ક્ષાયિક સમકિત (સમ્યક્ત્વ, સમ્યગ્દર્શન, યથાર્થ દૃષ્ટિ), અનંત ક્ષાયિક સમ્યક ચરિત્ર, અનંત ક્ષાયિક કેવલજ્ઞાન, અનંત ક્ષાયિક કેવલ દર્શન, અનંત ક્ષાયિક દાન, અનંત ક્ષાયિક લાભ, અનંત ક્ષાયિક ભોગ, અનંત ક્ષાયિક ઉપભોગ, અનંત ક્ષાયિક વીર્ય એ નવ ક્ષાયિક સદ્-ગુણો તથા અનંત જાગૃતિ, અનંત સમતા (વીતરાગતા, અનાસક્તિ), ઈચ્છારહિતતા, અપેક્ષારહિતતા, પ્રસન્નતા, સુખશાંતિ, નિ:સ્વાર્થ મૈત્રી - નિ:સ્વાર્થ પ્રેમ, નિ:સ્વાર્થ સેવા, સમ્યક્ તપ, સદાચાર, ક્ષમાભાવ, નમ્રતાભાવ, સરળતાભાવ, સંતોષભાવ, કરુણાભાવ, દયાભાવ, બ્રહ્મચર્યભાવ, નીડરતા, ઉદારતા, સ્વતંત્રતા, સંપ, સ્વાધીનતા, ઉધ્યમતા, ધીરજ, સાહસિકતા વગેરે બધા આત્મિક સદ્ગુણો શાશ્વત કાલ માટે પૂરેપૂરા પ્રગટ થઇ ગયા છે.


Saturday, 10 August 2013

Understanding Navkar 6.. નવકારની સમજ 6

નવકારની સમજ

છઠો લેખ

મમત્વ એટલે મારું છે એમ માની લેવું. જીવ માની શકે છે. જેનામાં જીવ નથી તે માની શકતા નથી.
અનંત કાળથી આજ સુધી રાજાઓ, ચક્રવર્તીઓ, ઇન્દ્રો અને સમર્થો જીવ વિનાના પદાર્થોને, કોઈ પણ જાતના જીવોને કે નામ વગેરેને પોતાના બનાવી શક્યા નથી અને મર્યા પછી પોતાની સાથે લઇ જઈ શક્યા નથી.
નામ કોનું હોય છે? જ્યારે અમરસિંહ નામધારી મનુષ્ય મરી જાય છે ત્યારે તેનો જીવ  શરીર છોડીને એકલો જતો રહે છે. ત્યારે તે શરીર અમરસિંહ કહેવાતું નથી પણ મડદું કહેવાય છે. એ શરીર છોડી જનારને અમરસિંહનો જીવ ચાલ્યો ગયો કહેવાય છે. એટલે અમરસિંહ નામ શરીરનું કે જીવનું નથી પણ જીવ અને શરીર જ્યાં સુધી સાથે રહે છે ત્યાં સુધી એ જોડીને ઓળખવા માટે નામ રાખેલું હોય છે.
નામ તો જીવન દરમ્યાન બદલાય પણ છે. આંકડાશાસ્ત્ર પ્રમાણે નામ બદલવાથી લાભ થતો હોય કે નુકસાન અટકતું હોય તો નામ બદલવામાં આવે છે. લગ્ન વખતે કેટલીક સ્ત્રીઓનું નામ બદલવામાં આવે છે. સાધુ થનાર, એક્ટર અને એક્ટ્રેસ થનાર નામ બદલે છે. વાલિયા લુંટારાનું નામ વાલ્મિક ઋષિ થઇ ગયેલું.
સગા બદલાતા હોય છે. ભાઈના લગ્ન બહેનની સાથે થતાં પતિ-પત્ની થઇ જાય છે. વિધવા માતા કાકા સાથે પરણતાં કાકી થઇ જાય છે. વિધવા કાકી વિધુર પિતા સાથે પરણતાં માતા થઇ જાય છે. ભૌતિક સ્વાર્થ ઘવાતાં એકનો એક પુત્ર માતા સાથેનો સંબંધ તોડી નાખે છે કે એકના એક પુત્ર સાથે માતા સંબંધ તોડી નાખે છે કે મિત્ર શત્રુ બની જાય છે, બહેન ભાઈ સાથે સંબંધ તોડી નાખે છે. પ્રેમલગ્ન કરનારાઓ છુટા છેડા લઇ લે છે. પોતાનાં પરાયાં થઇ જાય છે.
પુણ્ય ખૂટતાં કરોડપતિ રસ્તે રઝડતો કંગાળ રોડપતિ થઇ જાય છે. મોરબી શહેર પર મોટા ડેમનું પાણી ફરી વળતાં એક વૃદ્ધ કરોડપતિ નજર સામે પોતાની સંપતિ, વાહનો, રાચરચિલું, નાના-મોટાં બધા કુટુંબીઓ તણાઈને દરિયામાં સમાઈ ગયા અને બંગલાઓ ખંડેરમાં ફેરવાઈ ગયા અને પોતે રસ્તા પર આવી ગયા હતા.
આ જગતમાં પોતાનાં શુદ્ધ આત્મા સિવાય જીવનું બીજું કંઈ જ નથી. બીજું બધું ભાડૂતી છે, જે પુણ્યના બદલામાં અમુક સમય સુધી વાપરવા મળે છે. પુણ્ય ખૂટતાં બીજું બધું દૂર થઇ જાય છે અથવા જીવને એ બધું છોડી જવું પડે છે.
શરીરને હું માનનાર બધા મનુષ્યોને મરે ત્યારે અનિચ્છાએ શરીર છોડીને ચાલ્યા જવું પડે છે. ત્યારે મનુષ્યોની હિતકારી અને અહિતકારી ટેવો, સંસ્કારો અને આદતો તેમના આત્માની સાથે જાય છે, સદ્-ગુણીપણું અથવા દુર્ગુણીપણું સાથે જાય છે, સદાચારીપણું અથવા દુરાચારીપણું સાથે જાય છે. પુણ્ય અને પાપ સાથે જાય છે; અજ્ઞાન, ઊંધી માન્યતા (મિથ્યાત્વ), ક્રોધ-માન-માયા-લોભ, પાંચ ઇન્દ્રિઓના વિષયભોગો-જાતીય વિષયભોગો-માનસિક વિષયભોગોમાં સુખબુદ્ધિ-લાલસા-આકર્ષણ-આસક્તિ, શુભ અને અશુભ વિચાર-વાણી-વર્તન કરવાની ટેવ તથા અવિરતિ મનુષ્યોના જીવો સાથે જાય છે. ખાવા-પીવાની, ઊંઘવાની, ડરવાની અને મૈથુન કરવાની ટેવ સાથે જાય છે.
કેવલજ્ઞાનીઓ કહે છે: જીવની જુદી જુદી વિશેષતાઓને ઢાંકી દેનારા આવરણો આઠ પ્રકારના છે.
૧. જ્ઞાનાવરણીયકર્મ, ૨. દર્શનાવરણીયકર્મ, ૩. અંતરાયકર્મ, ૪. મોહનીયકર્મ, ૫. આયુષ્યકર્મ, ૬. નામકર્મ, ૭. ગોત્રકર્મ અને ૮. વેદનીય કર્મ.

આ આઠેય કર્મો અરિ છે અને સમ્યક્ તપથી દૂર કરી શકાય છે. મોહનીયકર્મ શાશ્વત કાલ માટે પૂરેપૂરો દૂર કરવાથી અંતરાયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મ આપોઆપ શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થઇ જાય છે. આ ચારેય કર્મો સંપૂર્ણપણે દૂર થવાથી જીવમાં રહેલા અનંત ક્ષાયિક સમકિત, અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન, અનંત વીર્ય (સમજણ સાથેની શક્તિ) અને અનંત સુખશાંતિ શાશ્વત કાલ માટે પૂરેપૂરા પ્રગટ થાય છે, જ્યારે આયુષ્યકર્મ શાશ્વત કાલ માટે દૂર થાય છે ત્યારે નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ પણ આપોઆપ શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થાય છે. અને અનુક્રમે અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરૂલધુ તથા અવ્યાબાધપણું એ ચાર આત્મિક ગુણો જીવમાં શાશ્વત કાલ માટે પૂરેપૂરા પ્રગટ થાય છે.

- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ:

Friday, 28 June 2013

Understanding Navkar 5.. નવકારની સમજ 5

નવકારની સમજ

પાંચમો લેખ
ઝાંઝવાનું જળ (મૃગજળ) રણમાં લૂ (ગરમ હવા) વાય છે ત્યારે દૂરથી પાણી જેવું દેખાય છે. જેને જોઈને તરસ્યું હરણ (મૃગ) તે પીવા માટે જાય છે. ત્યારે તે પાણી જેવું દૂર અને દૂર દેખાય છે. હકીકતમાં તે પાણી નથી હોતું, પણ પાણી હોવાનો ભ્રમ (મોહ) હોય છે.
શું આત્મિક સિવાયના બધા ભૌતિક વિષયભોગો સુખશાંતિ આપનારા છે? કે મૃગજળ જેવા ભ્રામક છે? એ આ રીતે તપાસી શકાય છે:-
જેમાં જે ખરેખર હોય તે ક્યારેક હોય અને ક્યારેક ન હોય એવું થઇ ન શકે. જેમાં જે હોય તે કેટલાક માટે હોય અને કેટલાક માટે ન હોય એવું પણ થઇ ન શકે. જેમાં જે હોય તેનાથી ઊલટું તેમાં હોઈ શકે નહીં.
જે ખરેખર સુખશાંતિ આપનાર હોય તે ક્યારેક સુખશાંતિ આપે અને ક્યારેક સુખશાંતિ ન આપે એવું થઇ શકે નહીં. તે એકને સુખશાંતિ આપે અને બીજાને સુખશાંતિ ન આપે એવું થઇ શકે નહીં. તે ક્યારેય દુઃખ-અશાંતિ આપે નહીં.
વધારેમાં વધારે ભાવતી વાનગી દરરોજ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તે એકની એક વાનગી પેટ ભરીને ખાઈએ અને બીજું કંઈ ન ખાઈએ, તેનાથી જો ખૂબ સુખશાંતિ થાય, બીજા એ એકની એક વાનગી દરરોજ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાય અને બીજું કંઈ ન ખાય તો તેમને પણ જો ખૂબ સુખશાંતિ થાય તથા એ પ્રમાણે ખાવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ક્યારેય ન થાય તો ખાતરી થાય કે ખરેખર એ વાનગી ખાવાથી સુખશાંતિ થાય.
વધારેમાં વધારે પસંદ હોય એ ગીત દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ ગીત દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો બીજા બધાને ખૂબ સુખશાંતિ થાય તથા એ ગીત દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી આપણને અને બીજાઓને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે ખરેખર એ ગીત સાંભળવાથી સુખશાંતિ થાય.
વધારેમાં વધારે પસંદ હોય એ ચલચિત્ર દરરોજ આખો દિવસ જોતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ ચલચિત્ર આખો દિવસ જોતા રહેવાથી જો બીજા બધાને ઘણી સુખશાંતિ થાય તથા એ ચલચિત્ર દરરોજ આખો દિવસ જોતા રહેવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે ખરેખર એ ચલચિત્ર જોવાથી સુખશાંતિ થાય.
જો વધારેમાં વધારે શોભીએ એવા ઊંચામાં ઊંચા કપડામાંથી એક સરખા રંગો અને ડીઝાઈનના ઘણા ડ્રેસ બનાવીને દરરોજ આખો દિવસ એ ડ્રેસ પહેરીએ અને બીજું કંઈ ન પહેરીએ, તેનાથી જો ઘણી સુખશાંતિ થાય. બીજાઓ એવા ડ્રેસ દરરોજ આખો દિવસ પહેરે અને બીજું કંઈ ન પહેરે, તેનાથી જો તેમને ઘણી સુખશાંતિ થાય તથા એવા ડ્રેસ દરરોજ આખો દિવસ પહેરવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે એ ડ્રેસ પહેરવાથી ખરેખર સુખશાંતિ થાય.
વધારેમાં વધારે પસંદ હોય એ રમત દરરોજ આખો દિવસ રમતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ રમત દરરોજ આખો દિવસ રમતા રહેવાથી બીજા બધાને જો ઘણી સુખશાંતિ થાય તથા એ રમત દરરોજ આખો દિવસ રમતા રહેવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ન થાય તો ખાતરી થાય કે ખરેખર એ રમત રમવાથી સુખશાંતિ થાય.
આગેવાનોએ આપણા ઘણા વખાણ કર્યા હોય, તે રેકોર્ડ કરી દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ રેકોર્ડિંગ દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો બીજા બધા સાંભળનારાઓને ઘણી સુખશાંતિ થાય તથા એ રેકોર્ડીંગ દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી આપણને અને બીજા બધા સાંભળનારાઓને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે એ વખાણ સાંભળવાથી ખરેખર સુખશાંતિ થાય.
ઘણી સત્તા મળવાથી જો દરરોજ ઘણી સુખશાંતિ થાય. બીજા બધાને સત્તા મળવાથી જો દરરોજ ઘણી સુખશાંતિ થાય તથા સત્તા મળવાથી આપણને અને બીજાઓને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે સત્તા મળવાથી ખરેખર સુખશાંતિ થાય.
ગૃહસ્થોને ધનવાન થવું હોય છે. જો ગૃહસ્થને લાખ કરોડ રૂપિયા મળી જાય તો એટલો રાજી થાય છે કે સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો, હિતેચ્છુઓ, ઓળખીતાઓ વગેરે મળીને આખી રાત ઉજવે છે. એ રૂપિયાથી જો તેને ઘણી સુખશાંતિ થઇ હોય, તો હવે એ રૂપિયા તેની પાસે દરરોજ પડ્યા હોવાથી તેને પહેલા દિવસ જેટલી સુખશાંતિ દરરોજ થવી જોઈએ તથા એ રૂપિયાથી તેને દુઃખ-અશાંતિ થવી ન જોઈએ. જો એ પ્રમાણે થાય તો ખાતરી થાય કે ખરેખર ધનવાન થવાથી સુખશાંતિ થાય.
એકબીજાને વધારેમાં વધારે પસંદ હોય એવા પતિ-પત્ની દરરોજ આખો દિવસ મૈથુન કરતાં રહે, તેથી તેમને જો દરરોજ ઘણી સુખશાંતિ થાય. જો બીજા બધા દંપતી દરરોજ આખો દિવસ મૈથુન કરતાં રહે, તેથી તેમને જો દરરોજ ઘણી સુખશાંતિ થાય. તથા આખો દિવસ દરરોજ મૈથુન કરતાં રહેવાથી કોઈ પણ દંપતીને દુઃખ-અશાંતિ ન થાય તો ખાતરી થાય કે મૈથુન કરવાથી ખરેખર સુખશાંતિ થાય.
જેમને ચા પીવાની ટેવ હોય છે તેમને ચા પીવાના સમયે ચા પીવાની ઈચ્છા અને અપેક્ષા શરૂ થાય છે. ત્યારે અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ પેદા થાય છે. મોડું થવાથી તે બધું વધે છે. ચા પીધા પછી એ ઈચ્છા અને અપેક્ષા ન રહેવાથી અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ દૂર થાય છે. તેથી સ્વસ્થતા, શાંતિ અને સુખ અનુભવાય છે. આમ ચા પીવાથી નહીં, પરંતુ ઈચ્છારહિતતા અને અપેક્ષારહિતતાથી ખરેખર સુખશાંતિ થાય છે.
જો ચા પીવાથી સુખશાંતિ થતી હોય તો જ્યારે ચા પીવાની જરાય ઈચ્છા ન હોય અને અપેક્ષા ન હોય ત્યારે ચા પીવાથી સુખશાંતિ થવી જોઈએ. વધારે ને વધારે ચા પીતા રહેવાથી સુખશાંતિ વધતી રહેવી જોઈએ. જેમને ચા પીવાનું જરાય પસંદ નથી તેમને ચા પીવાથી સુખશાંતિ થવી જોઈએ. તથા ચા પીવાથી કોઈ પણ ચા પીનારને દુઃખ-અશાંતિ થવી ન જોઈએ. તો ખાતરી થાય કે ચા પીવાથી ખરેખર સુખશાંતિ થાય.
આમ પાંચ ઇન્દ્રિયોના વિષયભોગો, માનસિક વિષયભોગો અને જાતીય વિષયભોગોથી ખરેખર સુખશાંતિ થાય છે કે કેમ? એની તપાસ અને ખાતરી કરતાં રહેવાથી એ ત્રણેય પ્રકારના વિષયભોગો ભોગવવાથી થોડી કે થોડીવાર માટે પણ સુખશાંતિ થઇ શકતી નથી એ હકીકત ખ્યાલમાં આવવા લાગે છે અને જ્યારે પણ થોડી કે વધારે સુખશાંતિનો અનુભવ થાય છે તે ઈચ્છારહિત અને અપેક્ષારહિત થવાથી થાય છે એ હકીકત સમજાતી રહે છે. જ્યારે આ હકીકત શાશ્વત કાલ માટે યાદ રહી જાય છે ત્યારે પછી કોઈ ખાતરી કરવી પડતી નથી.
અરિહંતોને આ હકીકત શાશ્વત કાલ માટે યાદ રહી ગઈ છે.

- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ:

Thursday, 23 May 2013

Understanding Navkar 4.. નવકારની સમજ 4

નવકારની સમજ
ચોથો લેખ


નમો અરિહંતાણં. નમસ્કાર કરું છું અરિહંતોને. અરિહંતોને = અરિ + હંતોને. અરિ એટલે શત્રુ, દુશ્મન. જેનાથી સદ્-ગુણો ઢંકાઈ જાય, સદાચાર થઇ ન શકે, દુઃખ-અશાંતિ થાય, તકલીફો થાય, દુર્ગુણી અને દુરાચારી થવાય તે અરિ ગણાય. હંતોને એટલે નાશ કરનારાઓને.
આ બધા દુર્ગુણો જેવાકે, અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, ક્રોધ, માન, માયા-કપટ, લોભ, ગમો-અણગમો (રાગ-દ્વેષ, આસક્તિ), પ્રમાદ તથા અહિત કરનારી માનસિક, વાચિક અને શારીરિક ક્રિયાઓ અરિ છે, દુશ્મનો છે. જેનો નાશ કરવાથી પ્રાણનો નાશ થતો નથી. હિંસા થતી નથી.
જેટલી સમ્યક્ સમજ ઓછી એટલું અજ્ઞાન ગણાય.
જે ખરેખર જેવું હોય તેનાથી જેટલી ઊલટી માન્યતા એટલું મિથ્યાત્વ ગણાય.
જેટલું છોડવા યોગ્ય ન છોડાય એટલી અવિરતિ ગણાય છે.
આત્માની ઉન્નતિ માટે જેટલું કરવા યોગ્ય હોય એટલું ન કરાય એટલો પ્રમાદ ગણાય.
કેવળજ્ઞાનીઓ કહે છે કે ગમો-અણગમો કરવો ગુનો છે, પાપ છે.
ગમો-અણગમો કરવા માત્રથી ગમતું મળતું નથી અને અણગમતું ટળતું નથી. યોગ્ય પ્રયત્નો કરાય ત્યારે જરૂરી મળે છે અને ટાળવા જેવું ટળે છે. ગમો-અણગમો ન કરાય પણ યોગ્ય પ્રયત્નો કરાય તો પણ જરૂરી હોય એ મળે છે અને ટાળવા જેવું ટળે છે. ગમો-અણગમો કરવાની જરાય જરૂર નથી. એટલે ગમો-અણગમો કરવો નકામો છે.
ગમો-અણગમો થવાથી ગમતું મળે તો સારું અને અણગમતું ટળે તો સારું એવી ઈચ્છાઓ થાય છે અને અપેક્ષાઓ રખાય છે. ત્યારથી અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ શરૂ થાય છે, ગમતું મળવામાં અને અણગમતું ટળવામાં મોડું થાય તો અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ વધતા રહે છે. ત્યારે આર્ત્તધ્યાન થાય છે. આ ઈચ્છાઓ, અપેક્ષાઓ અને આર્ત્તધ્યાન અરિ છે.
ગમતું મેળવવા અને અણગમતું ટાળવા પ્રામાણિક પ્રયત્નો કરાય છે. એનાથી ગમતું ન મળે અને અણગમતું ન ટળે તો અપ્રામાણિક પ્રયત્નો કરતાં થવાય છે. ત્યારે બધી જાતના પાપ (ગુના) કરાય છે. આ બધી જાતના પાપ અરિ છે. જો ગમો-અણગમો ન કરાય તો કોઈ પણ પાપ કરવાની જરૂર પડતી નથી.
આમ ગમો-અણગમો કરવો નકામો છે, દુઃખ-અશાંતિ ઉપજાવનાર છે અને જેની સજાઓ થાય એવા બધા પાપ કરાવનારા છે તથા બધી જાતના દુર્ગુણી અને દુરાચારી બનાવનાર છે.
જગતમાં અજ્ઞાની અને મિથ્યાત્વી મનુષ્યો ઘણા છે અને સાચી, સમ્યક્ સમજ ધરાવતા મનુષ્યો સાવ થોડા છે.
આ ઘણા મનુષ્યો પોતાને પસંદ હોય એવા ગીતો કર્ણેન્દ્રિયથી સાંભળે, નાટક-સિનેમા આંખોથી જુએ, સુગંધ નાકથી સૂંઘે, ખાન-પાન મોંથી ખાય-પીએ, સ્પર્શેન્દ્રિયથી અડકે, જાતીય ભોગો ભોગવે અને માનસિક ભોગો જેવા કે સત્તા, કીર્તિ, રમત, ઘણી કમાણી, ઉત્સવો, લગ્ન, સંતાનો વગેરેથી રાજી થાય છે એ જોઈ જોઈને બાળકો માનવા લાગે છે કે ઇન્દ્રિયોના વિષયભોગો, જાતીય ભોગો અને માનસિક વિષય ભોગો ભોગવવાથી સુખ થાય અને જેનાથી સુખ થાય છે એમ માન્યું તે ગમે છે અને આ ઘણા મનુષ્યો જેનાથી દુઃખી થાય છે તેનાથી દુઃખ થાય એમ માન્યું, તેથી તેવા પ્રસંગો તરફ અણગમો થાય છે. આમ ગમો-અણગમો (રાગ-દ્વેષ) શરૂ થાય છે.
પરંતુ કેવળજ્ઞાનીઓ કહે છે, ઇન્દ્રિયોના, જાતીય અને માનસિક ભોગો ભોગવવાથી જરાય સુખ થતું નથી, થોડીવાર માટે પણ સુખ થતું નથી.
નિષ્ણાત નિતિશાસ્ત્રીઓ કહે છે ખાતરી કર્યા પછી માનવું.
જેમકે અગ્નિ ગરમ છે. તેને જ્યારે પણ અડકીએ ત્યારે ગરમ લાગે છે. તેને કોઈ પણ અડકે તો તેને ગરમ લાગે છે તથા ક્યારેય બરફ જેવો ઠંડો લાગતો નથી. આમ ખાતરી થાય છે કે અગ્નિ ગરમ છે.
બરફને જ્યારે પણ અડકીએ, જે કોઈ અડકે ઠંડો લાગે છે અને ક્યારેય ગરમ લાગતો નથી. તેથી બરફ ઠંડો છે એની ખાતરી થાય છે.

નિ:સ્વાર્થ મૈત્રીથી સુખશાંતિ થાય છે એની ખાતરી થઇ શકે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયભોગો, માનસિક વિષયભોગો અને જાતીય વિષયભોગો ભોગવવાથી સુખશાંતિ થાય એની ખાતરી થાય તો જ માનવું કે એ ભોગોથી સુખ શાંતિ થાય.

- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ:



Wednesday, 3 April 2013

Understanding Navkar 3.. નવકારની સમજ 3

નવકારની સમજ
ત્રીજો લેખ


કેવલજ્ઞાનીઓ કહે છે કે જેનો જે ગુણ હોય તેનામાં તે ગુણ હંમેશાં હોય છે અને ક્યારેય જુદો થતો નથી. હા, એ ગુણ ઢંકાઈ શકે છે અને પ્રગટ થઇ શકે છે.
જે ગુણથી સુખશાંતિ થાય, સગવડો થાય, સદ્-ગુણી અને સદાચારી થવાય તે સદ્-ગુણ ગણાય છે. જે ગુણથી દુઃખ-અશાંતિ થાય, પ્રતિકૂળતાઓ-અગવડો થાય, દુર્ગુણી અને દુરાચારી થવાય તે દુર્ગુણ ગણાય છે.
જે આચરણથી સુખશાંતિ થાય, સગવડો થાય, સદ્-ગુણી અને સદાચારી થવાય તે સદાચાર ગણાય છે. જે આચરણથી દુઃખ-અશાંતિ થાય, અગવડો થાય, દુર્ગુણી અને દુરાચારી થવાય તે દુરાચાર ગણાય છે.
આપણે વિચારીએ છીએ ત્યારે જડ અને રૂપી મનોવર્ગણાના પુદગલોની માનસિક ક્રિયા થાય છે અને સાથે સમજીએ છીએ ત્યારે ચેતન અને અરૂપીજ્ઞાનની આત્મિક ક્રિયા થાય છે. ચેતન આત્મામાં ચેતન અને અરૂપી જ્ઞાનશક્તિ છે જેનાથી જીવ સમજવાનું કામ કરે છે.
જીવને નમસ્કારનો ભાવ આત્મામાં ક્યારે થાય ?
જે મોટા કલાકાર હોય, અથવા ઘણા ભણેલા હોય, અથવા મોટા પહેલવાન હોય, અથવા મોટા નેતા હોય અથવા ઘણા પૈસાદાર હોય, અથવા મોટા અભિનેતા હોય અથવા મોટા વેપારી હોય, અથવા ઘણા સુંદર હોય, અથવા મોટા પંડિત હોય અથવા મોટા ધર્મગુરુ હોય, પરંતુ જો એ દુરાચારી હોય, દુર્ગુણી હોય, તો તેમને નમસ્કાર કરવાનો ભાવ આત્મામાં થતો નથી.
વળી, જે આપણા કરતાં ઓછા સદ્-ગુણી  હોય, ઓછા સદાચારી હોય, તેમને નમસ્કાર કરીએ એવો ભાવ આત્મામાં થતો નથી.
એટલે જે દુર્ગુણી અને દુરાચારી ન હોય તથા આપણા કરતાં ઘણા વધારે સદ્-ગુણી અને વધારે સદાચારી હોય તેમને નમસ્કાર કરીએ એવો ભાવ આપણા આત્મામાં થાય છે.
આત્મિક નમસ્કાર કરવા અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓમાં કયા કયા આત્મિક સદ્-ગુણો અને આત્મિક સદાચાર આપણા કરતાં કેટલા વધારે પ્રમાણમાં છે એ તપાસવા માટે, એ ખરેખર આત્મિક સદ્-ગુણો અને આત્મિક સદાચાર છે કે કેમ? એની ખાતરી કરવા માટે વિચારવું પડે છે અને સાથે સાથે સમજવું પડે છે.
તેમનામાં અને આપણામાં કેટલા પ્રમાણમાં આત્મિક સદ્-ગુણો અને આત્મિક સદાચાર છે એ વિચારવું પડે છે અને સાથે સાથે સમજવું પડે છે.
એ માટે એ આત્મિક સદ્-ગુણો અને આત્મિક સદાચારથી તેમને અને આપણને કેટલા કેટલા આત્મિક અને ભૌતિક લાભ થાય છે એ વિચારવું પડે છે અને સાથે સાથે સમજવું પડે છે. એનાથી કોણ કોનાથી કેટલા વધારે આત્મિક સદ્-ગુણી અને આત્મિક સદાચારી છે એ આપણને સમજાય છે. આમ અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ આપણા કરતાં કેટલા ચઢિયાતા છે એ આપણને સમજાય છે તથા સ્વીકારી શકીએ છે. ત્યારે તેમને નમસ્કાર કરીએ એવો ભાવ આપણા આત્મામાં થાય છે, તેમના તરફ બહુમાનભાવ, આદરભાવ, આત્મિક નમસ્કારભાવ આપણા આત્મામાં થાય છે. ત્યારે નમ્રતાભાવ પ્રગટે છે અને અહંકાર ભાવ, અભિમાન તથા મદ દૂર થાય છે.
જ્યારે આ સદ્-ગુણીઓ અને સદાચારીઓના આત્મિક સદ્-ગુણો અને આત્મિક સદાચાર વિષે વિચારીએ છીએ, ત્યારે એ સદ્-ગુણો અને સદાચારો સાથે આપણો માનસિક સંપર્ક થાય છે તથા સાથે સાથે સમજતા રહીએ છીએ ત્યારે એ આત્મિક સદ્-ગુણો અને સદાચારો સાથે આત્મિક સંપર્ક થાય છે. આ રીતે વારંવાર વિચારતા રહીએ અને સાથે સાથે સમજતા રહીએ તો માનસિક અને આત્મિક સંપર્ક વારંવાર થવાથી એ આત્મિક સદ્-ગુણો અને સદાચારો સાથે માનસિક અને આત્મિક સોબત થાય છે, સંગ થાય છે, સત્સંગ થાય છે. તથા જેવી સોબત, તેવી અસરએ સચોટ સિદ્ધાંત પ્રમાણે આપણે પણ તેમના જેવા આત્મિક સદ્-ગુણી અને સદાચારી થતા જઈએ છીએ.
જો અરિહંતો, સિધ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને લોક્ભરના સર્વ સાધુઓને આ રીતે નમસ્કાર કરતાં રહેવાય તો તેનું સારું પરિણામ અવશ્ય આવે છે તથા જેમને નમસ્કાર કરાય તેમના જેવા થતા જવાય છે અને થઇ જવાય છે.
સંસ્કારી કુટુંબોનો બાળક અસંસ્કારી બાળકો સાથે રખડ્યા કરે તો અસંસ્કારી બાળકો જેવો અસંસ્કારી થતો જાય છે. અસંસ્કારી બાળક સંસ્કારી બાળકો સાથે વધારે રહે, તો, સંસ્કારી બાળકો જેવો સંસ્કારી બનતો જાય છે.
કેવલજ્ઞાનીઓ કહે છે કે અરિહંતો થયેલા મનુષ્યો શાશ્વત કાલ માટે વધારેમાં વધારે સુખશાંતિ સતત અનુભવે છે, તેમને શાશ્વત કાલ સુધી કોઈ પણ અગવડ ક્યારેય થતી નથી. તેઓ શાશ્વત કાલ સુધી જરા પણ દુર્ગુણી કે દુરાચારી થતા નથી. શાશ્વત કાલ સુધી તેમને જરા પણ દુઃખ-અશાંતિ થતી નથી, કોઈ ઈચ્છા થતી નથી. તેઓ શાશ્વત કાલ સુધી કોઈ પણ અપેક્ષા રાખતા નથી. તેમનામાં શાશ્વત કાલ સુધી, સમજી શકે એવી અનંત શક્તિ હોય છે. તેમનામાં શાશ્વત કાલ સુધી યથાર્થ સમજ હોય છે. તેમનામાં શાશ્વત કાલ સુધી અનંત કેવલજ્ઞાન હોય છે.
- મોહનલાલ ધનજી ફુરિયા


ક્રમશ:

Tuesday, 5 March 2013

Understanding Navkar 2.. નવકારની સમજ 2

નવકારની સમજ

બીજો લેખ


શારીરિક, વાચિક અને માનસિક નમસ્કાર કરતી વખતે સમ્યક્ રીતે સમજવાનું ચાલુ રાખી શકાય છે, કે સમજવાનું ચાલુ રાખ્યા વિના પણ એ ત્રણેય નમસ્કાર કરી શકાય છે.
નવકારનો જાપ કરનારા ઘણા છે. પરંતુ જપતી વખતે, ગણતી વખતે, રટતી વખતે સમ્યક્ રીતે નવકારને સમજવાનું ચાલુ રાખી શકનારા બહુ ઓછા છે.
નવકારની સમ્યક્ સમજને સમ્યક્ (યથાર્થ) રીતે સમજતા રહેવાય ત્યારે સમ્યક્ જ્ઞાનક્રિયા થાય છે, કલ્યાણ કરનારી, હિત કરનારી શુભ ક્રિયા થાય છે.
નવકારના અક્ષરો જપતી વખતે, ગણતી વખતે, રટતી વખતે સાથે નવકારની સમ્યક્ સમજને સમ્યક્ રીતે સમજવાનું ચાલુ રાખી ન શકાય ત્યારે બાલક્રિયા થાય છે. ત્યારે જો જ્ઞાનેન્દ્રિઓના અડકવા, ચાખવા, સૂંઘવા, જોવા અને સાંભળવાના વિષયભોગો તરફ આસક્તિ થાય એવા વિચારો આવતા હોય; સત્તા, કીર્તિ, પદવી, સંપતિ, રમવામાં થતી જીત, સફળતા વગેરે માનસિક વિષયભોગો અને જાતીય વિષયભોગો તરફ આસક્તિ થાય એવા વિચારો આવતા હોય; ક્રોધ, માન (મદ અને અભિમાન), માયા (કપટ, ઠગવું) અને લોભ કરવાના ભાવ જાગે એવા વિચારો આવતા હોય, રાજ્યનું સંચાલન કરનારાઓ, દેશ, ખાનપાન અને સ્ત્રી અથવા પુરુષ વિષેના વગેરે અહિતકારી વિચારો થતા હોય તો અહિત કરનારી અશુભ બાલક્રિયા થાય છે.
પરંતુ જો અહિતકારી વિચારો થતા ન હોય અને નવકારના અક્ષરોમાં ધ્યાન અપાતું હોય તો હિતકારી એવું બધું નજીક આવવા લાગે છે અને અહિતકારી એવું બધું દૂર થવા લાગે છે. એટલે કે એ શુભ ફળ આપનાર શુભ બાલક્રિયાથી થતો શુભ જાપ હોય છે, શુભ રટણ હોય છે.
છતાં પણ જ્ઞાનક્રિયાથી નવકારની સમ્યક્ સમજને સમ્યક્ રીતે સમજતા રહેવાથી થતા શુભ ફળ અને અહિત કરનાર વિચારો કર્યા વિના થતી નવકારના જાપની શુભ બાલક્રિયાથી થતા શુભ ફળ વચ્ચે આકાશ અને પાતાળ જેટલો તફાવત (ફરક) છે.
જેમકે ૧ ઉપવાસ કરવાથી જેટલું શુભ ફળ મળે એટલું શુભ ફળ, શુભ બાલક્રિયાથી થતા ૨૦૦૦ નવકારના જાપથી મળે છે.
૨ ઉપવાસ ૨ દિવસ કરવાથી બીજા ઉપવાસનું ફળ પહેલા ઉપવાસના ફળ કરતાં દશગણું મળે છે, એટલે છુટ્ટા દશ ઉપવાસ જેટલું મળે છે. પહેલા અને બીજા ઉપવાસના મળીને છુટ્ટા ૧ + ૧૦ = ૧૧ ઉપવાસના ફળ જેટલું મળે છે.
૩ ઉપવાસ ૩ દિવસમાં કરવાથી ત્રીજા ઉપવાસનું ફળ બીજા દિવસના ઉપવાસના ફળ કરતાં દશગણું મળે છે એટલે ૧૦ x ૧૦ = ૧૦૦ છુટ્ટા ઉપવાસ જેટલું મળે છે. પહેલા, બીજા અને ત્રીજા દિવસના મળીને ૧+૧૦+૧૦૦=૧૧૧ છુટ્ટા ઉપવાસના ફળ જેટલું મળે છે.
એના પરથી જોઈ શકાય છે કે એક સાથે
૧ ઉપવાસનું ફળ = ૧ છુટ્ટા ઉપવાસ જેટલું થાય છે.
૨ ઉપવાસનું ફળ = ૧૧ છુટ્ટા ઉપવાસ જેટલું થાય છે.
૩ ઉપવાસનું ફળ = ૧૧૧ છુટ્ટા ઉપવાસ જેટલું થાય છે.
૪ ઉપવાસનું ફળ = ૧૧૧૧ છુટ્ટા ઉપવાસ જેટલું થાય
૫ ઉપવાસનું ફળ = ૧૧૧૧૧ છુટ્ટા ઉપવાસ જેટલું થાય
૩૦ ઉપવાસનું ફળ = ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ (૩૦ એકડા) છુટ્ટા ઉપવાસ જેટલું થાય
       ત્રિશ દિવસ ઉપવાસને માસખમણ કર્યું કહે છે.
૧૦૦૦ વર્ષ = ૧૨૦૦૦ માસમાં ૧૧૬૭૨ માસખમણ થાય છે.
૧૧૬૭૨ x ૩૦ એકડા = ૩૫૦૧૬૦ એકડા એટલા ઉપવાસ છુટ્ટા


૩૫૦૧૬૦ એકડા એટલા છુટ્ટા ઉપવાસ x (૧ ઉપવાસના) ૨૦૦૦ (નવકાર) = ૭૦૦૩૨૦૦૦૦ એકડા એટલા નવકાર બાલક્રિયાથી જપવાથી જેટલું ફળ મળે, એટલું ફળ ૧ શ્વાસ લઈને છોડીએ એટલી વારમાં નવકારની સમ્યક્ સમજને સમ્યક્ રીતે સમજતા રહેવાય એ જ્ઞાનક્રિયાથી મળે છે.



- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ:

in Audio file


Tuesday, 5 February 2013

Understanding Navkar.. નવકારની સમજ


Understanding Navkar ...

નવકારની સમજ 

આપણે શા માટે જીવીએ છીએ ...?
શા માટે કેટલાક મનુષ્યોને જીવવું નથી પણ મરવું છે ?

જેમને ફક્ત દુઃખ-અશાંતિ અને તકલીફો હોય તથા સુખશાંતિ અને અનુફૂળતા થવાની કોઈ શક્યતા જણાતી ન હોય તેમને મરવું હોય છે . મતલબ કે બધા જીવોને સુખ-શાંતિ અને આનંદ જોઈએ છે, એટલે કે સુખશાંતિ અને અનુફૂળતાઓ થાય તથા બધી તકલીફો અને દુઃખ-અશાંતિ દૂર થાય એટલા માટે આપણે સૌ જીવીએ છીએ.
આપણે મનુષ્યો માનવશરીરમાં રહેનાર જીવ છીએ. જીવ શરીરનું સંચાલન કરે છે . જ્યારે જીવ શરીર છોડીને ચાલ્યો જાય છે ત્યારે એ શરીર કાંઈ જ કરી શકતું નથી. જીવ વિના માનવશરીર બોલી શકતું નથી, વિચારી શકતું નથી, સ્પર્શ કરી શકતું નથી, સ્વાદ અનુભવી શકતું નથી, ગંધ સૂંઘી શકતું નથી, જોઈ શકતું નથી, સાંભળી શકતું નથી, સૂઈ શકતું નથી, બેસી શકતું નથી, ઊભું  થઇ શકતું નથી, ચાલી શકતું નથી, હેતુપૂર્વક કંઈ જ કરી શકતું નથી.
જીવ વિના શરીર જાણી શકતું નથી, માની શકતું નથી . જીવ વિના શરીર સડવા લાગે છે, સુખશાંતિ અને દુઃખ-અશાંતિ અનુભવી શકતું નથી .
જીવનું સ્વરૂપ આત્મિક છે અને શરીરનું ભૌતિક છે . જીવ ચેતનાવાળો છે અને શરીર જડ છે . જીવ દેખાય એવો નથી અને શરીર દેખાય એવો છે . જીવની શક્તિ સમજી શકે એવી છે પણ શરીરની શક્તિ સમજી ન શકે એવી છે . જીવ અને શરીર બંનેનો નાશ થઇ શકતો નથી, પણ સ્થિતિ બદલી શકે છે . "જ્યારે જીવ શરીર વિના રહેવા લાગે છે ત્યારે તેની સ્થિતિ શાશ્વત કાલ સુધી બદલાતી નથી ." એવું અનુભવી સર્વજ્ઞ કેવળજ્ઞાની પરમ આત્માઓ કહે છે . શરીર વિના શાશ્વત કાલ સુધી રહેનારા જીવો વધારેમાં વધારે સુખશાંતિ સતત અનુભવે છે . તેમને કોઈ અડચણ, પ્રતિકૂળતા, દુઃખ-અશાંતિ અને તકલીફો ક્યારેય થતી નથી . તેઓ અનંત કેવળજ્ઞાની, અનંત શક્તિવાળા હોય છે .

કેવળજ્ઞાનીઓએ દુઃખ-અશાંતિ અને તકલીફો દૂર કરવાનો તથા સુખશાંતિ અને અનુકૂળતાઓ થાય એવો ઉપાય બતાવ્યો છે . જેનું ટૂંકું સ્વરૂપ પ્રાકૃત ભાષામાં આ પ્રમાણે છે :



નમો અરિહંતાણમ્
નમો સિદ્ધાણમ્
નમો આયરિયાણમ્
નમો ઉવજ્ઝાયાણમ્
નમો લોએસવ્વસાહૂણમ્
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણમ્ ચ સવ્વેસિમ્
પઢમં હોઈ મંગલમ્
જેનું ગુજરાતી ભાષામાં આ પ્રમાણે છે :- નમસ્કાર કરું છું અરિહંતોને . નમસ્કાર કરું છું સિદ્ધોને. નમસ્કાર કરું છું આચાર્યોને. નમસ્કાર કરું છું ઉપાધ્યાયોને. નમસ્કાર કરું છું લોક (ભર)ના સર્વ સાધુઓને. આ પાંચ નમસ્કાર સર્વ પાપનો પ્રનાશ કરનાર અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.
આ ઉપાયને નવકાર કહેવામા આવે છે.
આ ઉપાયનું વિસ્તારથી સ્વરૂપ અનંત છે. તેમાંથી થોડું વર્ણન આ પ્રમાણે છે :-
નમસ્કાર ચાર રીતે થાય છે:
1.                   શરીરના બે હાથ જોડીને માથું નમાવીએ, કે કપાળ, બે હાથ અને પગ જમીનને અડકાવીને ખમાસમણું  આપવાથી શારીરિક નમસ્કાર થાય છે.
2.                  મત્થએણ વંદામિનમસ્કાર કરું છું, વંદન કરું છું, પગે લાગું છું વગેરે બોલવાથી વાચિક નમસ્કાર થાય છે.
3.                  કલ્પના કરવાથી કે, "અરિહંતોસિદ્ધોઆચાર્યોઉપાધ્યાયોસાધુઓને આપણે શારીરિક અને વાચિક નમસ્કાર કરીએ છીએ" એ રીતે માનસિક નમસ્કાર થાય છે. અને 
4.                  કેવળજ્ઞાની અરિહંત પરમાત્માઓમાં આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ હજી બાકી હોવાથી તેમના આત્માના ચાર ગુણો અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરૂલઘુતા અને અવ્યાબાધસ્થિતિ સિવાયના બધા આત્મિક સદ્-ગુણો શાશ્વતકાલ માટે પૂરેપૂરા પ્રગટ થયા છે તથા આત્માના બધા દુર્ગુણો શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થયા છે. તેઓ શાશ્વત કાલ માટે જરાય દુરાચારી થતા નથી. તેમનું આયુષ્યકર્મ શાશ્વત કાલ માટે દૂર થતાં તેઓ અવશ્ય અશરીરી સિદ્ધ પરમાત્મા થાય છે.
સિદ્ધ પરમાત્માઓમાં આત્માના બધા સદ્-ગુણો અને સદાચાર શાશ્વત કાલ માટે પૂરેપૂરા પ્રગટ થયા છે, તથા બધા દુર્ગુણો અને દુરાચાર શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થઇ ગયા છે.
આચાર્યોઉપાધ્યાયો અને સાધુઓ સર્વ દુર્ગુણ-રહિત અને દુરાચારરહિત થવાના સમ્યક્ (યથાર્થ) પ્રયત્નો કરનારા છે.
અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ આપણા કરતાં વધારે સદ્-ગુણી તથા સદાચારી છે, એ આપણને સમજાય અને સ્વીકારી શકીએ, ત્યારે આપણા  આત્મામાં તેમના તરફ આદરભાવ અને બહુમાનભાવ થાય, તેમને નમસ્કાર કરીએ એવો ભાવ આપણા આત્મામાં થાય છે. આ રીતે આત્મિક નમસ્કાર થાય છે.

 - મોહનલાલ ધનજી ફુરિયા


ક્રમશ: 

What is Navkaar ?
Understanding Navkaar ...
Why we are living ?