Wednesday, 3 April 2013

Understanding Navkar 3.. નવકારની સમજ 3

નવકારની સમજ
ત્રીજો લેખ


કેવલજ્ઞાનીઓ કહે છે કે જેનો જે ગુણ હોય તેનામાં તે ગુણ હંમેશાં હોય છે અને ક્યારેય જુદો થતો નથી. હા, એ ગુણ ઢંકાઈ શકે છે અને પ્રગટ થઇ શકે છે.
જે ગુણથી સુખશાંતિ થાય, સગવડો થાય, સદ્-ગુણી અને સદાચારી થવાય તે સદ્-ગુણ ગણાય છે. જે ગુણથી દુઃખ-અશાંતિ થાય, પ્રતિકૂળતાઓ-અગવડો થાય, દુર્ગુણી અને દુરાચારી થવાય તે દુર્ગુણ ગણાય છે.
જે આચરણથી સુખશાંતિ થાય, સગવડો થાય, સદ્-ગુણી અને સદાચારી થવાય તે સદાચાર ગણાય છે. જે આચરણથી દુઃખ-અશાંતિ થાય, અગવડો થાય, દુર્ગુણી અને દુરાચારી થવાય તે દુરાચાર ગણાય છે.
આપણે વિચારીએ છીએ ત્યારે જડ અને રૂપી મનોવર્ગણાના પુદગલોની માનસિક ક્રિયા થાય છે અને સાથે સમજીએ છીએ ત્યારે ચેતન અને અરૂપીજ્ઞાનની આત્મિક ક્રિયા થાય છે. ચેતન આત્મામાં ચેતન અને અરૂપી જ્ઞાનશક્તિ છે જેનાથી જીવ સમજવાનું કામ કરે છે.
જીવને નમસ્કારનો ભાવ આત્મામાં ક્યારે થાય ?
જે મોટા કલાકાર હોય, અથવા ઘણા ભણેલા હોય, અથવા મોટા પહેલવાન હોય, અથવા મોટા નેતા હોય અથવા ઘણા પૈસાદાર હોય, અથવા મોટા અભિનેતા હોય અથવા મોટા વેપારી હોય, અથવા ઘણા સુંદર હોય, અથવા મોટા પંડિત હોય અથવા મોટા ધર્મગુરુ હોય, પરંતુ જો એ દુરાચારી હોય, દુર્ગુણી હોય, તો તેમને નમસ્કાર કરવાનો ભાવ આત્મામાં થતો નથી.
વળી, જે આપણા કરતાં ઓછા સદ્-ગુણી  હોય, ઓછા સદાચારી હોય, તેમને નમસ્કાર કરીએ એવો ભાવ આત્મામાં થતો નથી.
એટલે જે દુર્ગુણી અને દુરાચારી ન હોય તથા આપણા કરતાં ઘણા વધારે સદ્-ગુણી અને વધારે સદાચારી હોય તેમને નમસ્કાર કરીએ એવો ભાવ આપણા આત્મામાં થાય છે.
આત્મિક નમસ્કાર કરવા અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓમાં કયા કયા આત્મિક સદ્-ગુણો અને આત્મિક સદાચાર આપણા કરતાં કેટલા વધારે પ્રમાણમાં છે એ તપાસવા માટે, એ ખરેખર આત્મિક સદ્-ગુણો અને આત્મિક સદાચાર છે કે કેમ? એની ખાતરી કરવા માટે વિચારવું પડે છે અને સાથે સાથે સમજવું પડે છે.
તેમનામાં અને આપણામાં કેટલા પ્રમાણમાં આત્મિક સદ્-ગુણો અને આત્મિક સદાચાર છે એ વિચારવું પડે છે અને સાથે સાથે સમજવું પડે છે.
એ માટે એ આત્મિક સદ્-ગુણો અને આત્મિક સદાચારથી તેમને અને આપણને કેટલા કેટલા આત્મિક અને ભૌતિક લાભ થાય છે એ વિચારવું પડે છે અને સાથે સાથે સમજવું પડે છે. એનાથી કોણ કોનાથી કેટલા વધારે આત્મિક સદ્-ગુણી અને આત્મિક સદાચારી છે એ આપણને સમજાય છે. આમ અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ આપણા કરતાં કેટલા ચઢિયાતા છે એ આપણને સમજાય છે તથા સ્વીકારી શકીએ છે. ત્યારે તેમને નમસ્કાર કરીએ એવો ભાવ આપણા આત્મામાં થાય છે, તેમના તરફ બહુમાનભાવ, આદરભાવ, આત્મિક નમસ્કારભાવ આપણા આત્મામાં થાય છે. ત્યારે નમ્રતાભાવ પ્રગટે છે અને અહંકાર ભાવ, અભિમાન તથા મદ દૂર થાય છે.
જ્યારે આ સદ્-ગુણીઓ અને સદાચારીઓના આત્મિક સદ્-ગુણો અને આત્મિક સદાચાર વિષે વિચારીએ છીએ, ત્યારે એ સદ્-ગુણો અને સદાચારો સાથે આપણો માનસિક સંપર્ક થાય છે તથા સાથે સાથે સમજતા રહીએ છીએ ત્યારે એ આત્મિક સદ્-ગુણો અને સદાચારો સાથે આત્મિક સંપર્ક થાય છે. આ રીતે વારંવાર વિચારતા રહીએ અને સાથે સાથે સમજતા રહીએ તો માનસિક અને આત્મિક સંપર્ક વારંવાર થવાથી એ આત્મિક સદ્-ગુણો અને સદાચારો સાથે માનસિક અને આત્મિક સોબત થાય છે, સંગ થાય છે, સત્સંગ થાય છે. તથા જેવી સોબત, તેવી અસરએ સચોટ સિદ્ધાંત પ્રમાણે આપણે પણ તેમના જેવા આત્મિક સદ્-ગુણી અને સદાચારી થતા જઈએ છીએ.
જો અરિહંતો, સિધ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને લોક્ભરના સર્વ સાધુઓને આ રીતે નમસ્કાર કરતાં રહેવાય તો તેનું સારું પરિણામ અવશ્ય આવે છે તથા જેમને નમસ્કાર કરાય તેમના જેવા થતા જવાય છે અને થઇ જવાય છે.
સંસ્કારી કુટુંબોનો બાળક અસંસ્કારી બાળકો સાથે રખડ્યા કરે તો અસંસ્કારી બાળકો જેવો અસંસ્કારી થતો જાય છે. અસંસ્કારી બાળક સંસ્કારી બાળકો સાથે વધારે રહે, તો, સંસ્કારી બાળકો જેવો સંસ્કારી બનતો જાય છે.
કેવલજ્ઞાનીઓ કહે છે કે અરિહંતો થયેલા મનુષ્યો શાશ્વત કાલ માટે વધારેમાં વધારે સુખશાંતિ સતત અનુભવે છે, તેમને શાશ્વત કાલ સુધી કોઈ પણ અગવડ ક્યારેય થતી નથી. તેઓ શાશ્વત કાલ સુધી જરા પણ દુર્ગુણી કે દુરાચારી થતા નથી. શાશ્વત કાલ સુધી તેમને જરા પણ દુઃખ-અશાંતિ થતી નથી, કોઈ ઈચ્છા થતી નથી. તેઓ શાશ્વત કાલ સુધી કોઈ પણ અપેક્ષા રાખતા નથી. તેમનામાં શાશ્વત કાલ સુધી, સમજી શકે એવી અનંત શક્તિ હોય છે. તેમનામાં શાશ્વત કાલ સુધી યથાર્થ સમજ હોય છે. તેમનામાં શાશ્વત કાલ સુધી અનંત કેવલજ્ઞાન હોય છે.
- મોહનલાલ ધનજી ફુરિયા


ક્રમશ:

No comments:

Post a Comment