Thursday, 23 May 2013

Understanding Navkar 4.. નવકારની સમજ 4

નવકારની સમજ
ચોથો લેખ


નમો અરિહંતાણં. નમસ્કાર કરું છું અરિહંતોને. અરિહંતોને = અરિ + હંતોને. અરિ એટલે શત્રુ, દુશ્મન. જેનાથી સદ્-ગુણો ઢંકાઈ જાય, સદાચાર થઇ ન શકે, દુઃખ-અશાંતિ થાય, તકલીફો થાય, દુર્ગુણી અને દુરાચારી થવાય તે અરિ ગણાય. હંતોને એટલે નાશ કરનારાઓને.
આ બધા દુર્ગુણો જેવાકે, અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, ક્રોધ, માન, માયા-કપટ, લોભ, ગમો-અણગમો (રાગ-દ્વેષ, આસક્તિ), પ્રમાદ તથા અહિત કરનારી માનસિક, વાચિક અને શારીરિક ક્રિયાઓ અરિ છે, દુશ્મનો છે. જેનો નાશ કરવાથી પ્રાણનો નાશ થતો નથી. હિંસા થતી નથી.
જેટલી સમ્યક્ સમજ ઓછી એટલું અજ્ઞાન ગણાય.
જે ખરેખર જેવું હોય તેનાથી જેટલી ઊલટી માન્યતા એટલું મિથ્યાત્વ ગણાય.
જેટલું છોડવા યોગ્ય ન છોડાય એટલી અવિરતિ ગણાય છે.
આત્માની ઉન્નતિ માટે જેટલું કરવા યોગ્ય હોય એટલું ન કરાય એટલો પ્રમાદ ગણાય.
કેવળજ્ઞાનીઓ કહે છે કે ગમો-અણગમો કરવો ગુનો છે, પાપ છે.
ગમો-અણગમો કરવા માત્રથી ગમતું મળતું નથી અને અણગમતું ટળતું નથી. યોગ્ય પ્રયત્નો કરાય ત્યારે જરૂરી મળે છે અને ટાળવા જેવું ટળે છે. ગમો-અણગમો ન કરાય પણ યોગ્ય પ્રયત્નો કરાય તો પણ જરૂરી હોય એ મળે છે અને ટાળવા જેવું ટળે છે. ગમો-અણગમો કરવાની જરાય જરૂર નથી. એટલે ગમો-અણગમો કરવો નકામો છે.
ગમો-અણગમો થવાથી ગમતું મળે તો સારું અને અણગમતું ટળે તો સારું એવી ઈચ્છાઓ થાય છે અને અપેક્ષાઓ રખાય છે. ત્યારથી અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ શરૂ થાય છે, ગમતું મળવામાં અને અણગમતું ટળવામાં મોડું થાય તો અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ વધતા રહે છે. ત્યારે આર્ત્તધ્યાન થાય છે. આ ઈચ્છાઓ, અપેક્ષાઓ અને આર્ત્તધ્યાન અરિ છે.
ગમતું મેળવવા અને અણગમતું ટાળવા પ્રામાણિક પ્રયત્નો કરાય છે. એનાથી ગમતું ન મળે અને અણગમતું ન ટળે તો અપ્રામાણિક પ્રયત્નો કરતાં થવાય છે. ત્યારે બધી જાતના પાપ (ગુના) કરાય છે. આ બધી જાતના પાપ અરિ છે. જો ગમો-અણગમો ન કરાય તો કોઈ પણ પાપ કરવાની જરૂર પડતી નથી.
આમ ગમો-અણગમો કરવો નકામો છે, દુઃખ-અશાંતિ ઉપજાવનાર છે અને જેની સજાઓ થાય એવા બધા પાપ કરાવનારા છે તથા બધી જાતના દુર્ગુણી અને દુરાચારી બનાવનાર છે.
જગતમાં અજ્ઞાની અને મિથ્યાત્વી મનુષ્યો ઘણા છે અને સાચી, સમ્યક્ સમજ ધરાવતા મનુષ્યો સાવ થોડા છે.
આ ઘણા મનુષ્યો પોતાને પસંદ હોય એવા ગીતો કર્ણેન્દ્રિયથી સાંભળે, નાટક-સિનેમા આંખોથી જુએ, સુગંધ નાકથી સૂંઘે, ખાન-પાન મોંથી ખાય-પીએ, સ્પર્શેન્દ્રિયથી અડકે, જાતીય ભોગો ભોગવે અને માનસિક ભોગો જેવા કે સત્તા, કીર્તિ, રમત, ઘણી કમાણી, ઉત્સવો, લગ્ન, સંતાનો વગેરેથી રાજી થાય છે એ જોઈ જોઈને બાળકો માનવા લાગે છે કે ઇન્દ્રિયોના વિષયભોગો, જાતીય ભોગો અને માનસિક વિષય ભોગો ભોગવવાથી સુખ થાય અને જેનાથી સુખ થાય છે એમ માન્યું તે ગમે છે અને આ ઘણા મનુષ્યો જેનાથી દુઃખી થાય છે તેનાથી દુઃખ થાય એમ માન્યું, તેથી તેવા પ્રસંગો તરફ અણગમો થાય છે. આમ ગમો-અણગમો (રાગ-દ્વેષ) શરૂ થાય છે.
પરંતુ કેવળજ્ઞાનીઓ કહે છે, ઇન્દ્રિયોના, જાતીય અને માનસિક ભોગો ભોગવવાથી જરાય સુખ થતું નથી, થોડીવાર માટે પણ સુખ થતું નથી.
નિષ્ણાત નિતિશાસ્ત્રીઓ કહે છે ખાતરી કર્યા પછી માનવું.
જેમકે અગ્નિ ગરમ છે. તેને જ્યારે પણ અડકીએ ત્યારે ગરમ લાગે છે. તેને કોઈ પણ અડકે તો તેને ગરમ લાગે છે તથા ક્યારેય બરફ જેવો ઠંડો લાગતો નથી. આમ ખાતરી થાય છે કે અગ્નિ ગરમ છે.
બરફને જ્યારે પણ અડકીએ, જે કોઈ અડકે ઠંડો લાગે છે અને ક્યારેય ગરમ લાગતો નથી. તેથી બરફ ઠંડો છે એની ખાતરી થાય છે.

નિ:સ્વાર્થ મૈત્રીથી સુખશાંતિ થાય છે એની ખાતરી થઇ શકે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયભોગો, માનસિક વિષયભોગો અને જાતીય વિષયભોગો ભોગવવાથી સુખશાંતિ થાય એની ખાતરી થાય તો જ માનવું કે એ ભોગોથી સુખ શાંતિ થાય.

- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ:



No comments:

Post a Comment