Friday 18 September 2015

Michhami Dukkadam...

મિચ્છામી દુક્કડમ

જાણતા અજાણતા વિશ્વના કોઈ પણ જીવની આત્માના અહિતમાં નીમ્મિત બન્યો હોઉં...!
તો હું માફી માંગું છું...
વિશ્વના કોઈ પણ જીવને લીધે મારી આત્માને અહિતમાં નિમિત બન્યા હોય તો તેમને માફી આપું છું.
- મોહનલાલ ધનજી ફુરિયા


Monday 23 February 2015

Understanding Navkar 9.. નવકારની સમજ 9

નવકારની સમજ

નવમો લેખ

કેવલજ્ઞાની પરમાત્માઓ અરિહંતોને નમસ્કાર કરું છું. તીર્થંકર કેવળજ્ઞાનીઓ અને સામાન્ય કેવળજ્ઞાનીઓ, બધા અરિને દૂર કરી શક્યા છે. અરિ એટલે દુશ્મન, શત્રુ. હંતાણં એટલે હંમેશ માટે પૂરેપૂરા દૂર કરનારને. જેનાથી દુઃખ-અશાંતિ થાય, તકલીફો થાય, વિઘ્નો આવે, અંતરાય આવે, પ્રતિકૂળતાઓ થાય, અગવડો થાય તથા જેની સજાઓ થાય એવા દુર્ગુણી અને દુરાચારી થવાય તે અરિ ગણાય.

અજ્ઞાન અરિ છે. બધા કેવળજ્ઞાનીઓ સર્વજ્ઞો હોય છે. સર્વજ્ઞો તો સર્વ જીવો દુઃખ-અશાંતિ અને તકલીફોરહિત થાય તથા હંમેશ માટે વધારેમાં વધારે સુખશાંતિ સતત અનુભવતા રહે એવા માર્ગ બતાવતા રહે છે. એ માર્ગ જેટલો ઓછો આવડે એટલું અજ્ઞાન ગણાય.

ગૃહસ્થો જે જે પ્રસંગોમાં રાજી થાય છે એ નાનપણથી જોઈ જોઈને લોકો માની લે છે કે તેનાથી સુખ થાય. આમાં ખરેખર સુખ થાય કે કેમ એની ખાતરી મનુષ્યો કરતાં નથી. આમાં જેનાથી સુખ થાય એવું માન્યું તે ગમે છે, એટલે કે તેનાં તરફ રાગ થાય છે. આ રાગ અરિ છે.

એમ જે જે પ્રસંગોમાં ગૃહસ્થો દુઃખી થાય છે એ નાનપણથી જોઈ જોઈને લોકો માની લે છે કે તેનાથી દુઃખ થાય. આમાં જેનાથી દુઃખ થાય એવું માન્યું તેનાં તરફ અણગમો થાય છે, દ્વેષ થાય છે. આ દ્વેષ અરિ છે.

સર્વજ્ઞો કહે છે કે સંસાર એકાંતે દુઃખ આપનાર છે. જે ફક્ત દુઃખ આપે તેનાથી થોડું અથવા થોડીવાર માટે સુખ થઇ શકે નહીં. એટલે સંસારથી સુખ થયું એમ માન્યું એ મિથ્યાત્વ અરિ છે, ઊલટી માન્યતા છે.

આ સંસાર તરફ રાગ-દ્વેષ એટલે કે ગમો-અણગમો થવા માત્રથી ગમતું મળતું નથી અને અણગમતું દૂર થતું નથી. યોગ્ય પ્રયત્નથી ગમતું મળે છે અને અણગમતું દૂર થાય છે. એટલે માત્ર ગમો-અણગમો નકામો છે.

વળી ગમો-અણગમો થવાથી ગમતું મેળવવાની અને અણગમતું દૂર કરવાની ઈચ્છાઓ થાય છે અને અપેક્ષાઓ રખાય છે. આ ઈચ્છાઓ અને અપેક્ષાઓ અરિ છે એ ઈચ્છાઓ અને અપેક્ષાઓ પ્રમાણે જ્યાં સુધી ગમતું ન મળે અને અણગમતું દૂર ન થાય ત્યાં સુધી અશાંતિ અને દુઃખ થતા રહે છે. એટલે ગમો-અણગમો દુઃખ-અશાંતિ ઉપજાવે છે. એટલે કે આર્તધ્યાન થાય છે, આ આર્તધ્યાન અરિ છે.

વળી ગમતું મેળવવા અને અણગમતું દૂર કરવા પ્રમાણિક પ્રયત્નો કરવા છતાં ગમતું ન મળે અને અણગમતું દૂર ન થાય ત્યારે અપ્રામાણિક પ્રયત્નો કરતાં થઇ જવાય છે, બધાં પાપ કરતાં થઇ જવાય છે, જેની સજાઓ થાય છે. બધાં પાપો અરિ છે.

પાપની સજાઓ થાય ત્યારે દુઃખ-અશાંતિ થાય, તકલીફો થાય, વિધ્નો આવે, અંતરાય આવે, પ્રતિકૂળતાઓ અને અગવડો આવે, દુર્ગુણી અને દુરાચારી થવાય છે. ઝગડા, મારામારી, રૌદ્રધ્યાન થાય છે. આ રૌદ્રધ્યાન અરિ છે. શું આપણે મનુષ્ય દેહ (શરીર, કાયા) છીએ? કે મનુષ્ય દેહમાં રહેનાર જીવ છીએ? મનુષ્ય દેહ જડ છે અને આપણે જીવ ચેતન છીએ એમ બધાં કેવળજ્ઞાનીઓ કહે છે. મનુષ્યદેહનું સંચાલન કરનાર આપણે ચેતન જીવ છીએ. આપણે મનુષ્ય દેહ છીએ એમ જો આપણે માનીએ તો એ માન્યતા અરિ છે.

જે દેહમાં રહીએ છીએ એ દેહ મારું છે, એ દેહના અંગો મારા છે, એ દેહમાં છે એ ઇન્દ્રિયો મારી છે એમ માનીએ તો એ મમત્વ અરિ છે.

નામ મારું છે, ગોત્ર મારું છે, હોદ્દા મારા છે એમ માનીએ તો એ મમત્વ અરિ છે. સગા સંબંધી, દાસ-દાસી મારા છે, એમ માનીએ તો એ મમત્વ અરિ છે. ઘર મકાન મારા છે, જમીન, ખેતર, વાડી, બાગ-બગીચા મારા છે, સોનું, ચાંદી, હીરા, મોતી, રત્નો વગેરે ઝવેરાત મારા છે. કોઈપણ પૌદ્-ગલિક પદાર્થ કે દેહધારી જીવ મારા છે એમ માનીએ તો એ બધું મમત્વ અરિ છે.

કોઈપણ કેવળજ્ઞાની સામાન્ય મનુષ્ય કે ચક્રવર્તી આયુષ્ય પૂરું થતાં શરીર છોડીને હંમેશ માટે શરીરરહિત રહે છે ત્યારે તેમના આત્મામાં પૂરેપૂરા પ્રગટ થયેલા બધાં ક્ષાયિક ભાવ (ગુણો) તેમની સાથે હંમેશ માટે સાથે જાય છે. એ ક્ષાયિક ભાવ ગુણો સિવાય બીજું કંઈ પણ તેમની સાથે જતું નથી. એટલે ખરેખર બીજું બધું પુણ્યના બદલામાં વાપરવા મળે છે. એ પુણ્ય ખલાશ થતાં બીજું બધું જતું રહે છે અથવા એ બધું છોડીને આપણને ચાલ્યા જવું પડે છે. એટલે જીવના ક્ષાયિક ભાવ સિવાય બીજું કંઈ પણ આપણું છે નહીં અને આપણું થઇ શકે એમ નથી.

ગૃહસ્થ કેવળજ્ઞાની ભરતચક્રવર્તી આયુષ્ય પૂરું થતાં હંમેશ માટે શરીર વગર રહેવા લાગ્યા તેમની સાથે ચાંદીની એક ચમચી પણ સાથે ન ગઈ અને કોઈ સગું પણ સાથે જઈ શક્યું નહીં. પણ તેમના આત્મામાં રહેતા બધા અનંત ક્ષાયિક ભાવ એટલે કે ગુણો તેમની સાથે ગયા છે અને ત બધાં હંમેશ માટે પૂરેપૂરા પ્રગટ રહે છે.

ક્રોધથી ક્ષમા અને પ્રીતિ પર આવરણ આવે છે. આ ક્રોધ અરિ છે. માનથી નમ્રતા અને વિનય પર આવરણ આવે છે. આ માન અરિ છે.

માયાથી સરળતા અને મૈત્રી પર આવરણ આવે છે. આ માયા અરિ છે. લોભથી સંતોષ, ક્ષમા, પ્રીતિ, નમ્રતા, વિનય સરળતા અને મૈત્રી પર આવરણ આવે છે. આ લોભ અરિ છે.

જોવાની, સાંભળવાની, અડકવાની, સ્વાદ લેવાની અને સુંઘવાની, આંખ, કાન, ચામડી, મોં અને નાક એ પાંચ ઇન્દ્રિયોના વિષયભોગો, જાતીય ભોગો અને માનસિક વિષયભોગોથી મજા આવે એમ માનીએ તો એ માન્યતા અરિ છે.

જેનાથી ક્રોધ, માન, માયા અને લોભ અરીઓ પેદા થાય એવા નવ નોકષાય હાસ્ય, અહિતકારી બાબતો તરફ થતી રતિ, હિતકારી બાબતો તરફ થતી અરતિ, શોક, ભય, દુર્ગંધ વગેરે તરફ થતી દુ:ગંછા, સ્ત્રીને ભોગવવાનો ભાવ પુરુષ વેદ, પુરુષ સાથે ભોગ ભોગવવાનો સ્ત્રીને થતો ભાવ સ્ત્રીવેદ અને સ્ત્રી તથા પુરુષ એ બંને સાથે ભોગ ભોગવવાનો નપુંસકને થતો ભાવ નપુંસક વેદ, એ નવેય અરિ છે.

આ બધાં અરિને હંમેશ માટે પૂરેપૂરા દૂર કરવા તીર્થંકર થવા માટે સિધ્ધ પરમાત્માના ક્ષાયિક ભાવો અનંત સમ્યક્-ત્વ, સમ્યક્ ચારિત્ર, કેવલજ્ઞાન, કેવળદર્શન, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમતા, ઈચ્છારહિતતા, અપેક્ષારહિતતા, સુખશાંતિ, પ્રસન્નતા અને આનંદ વગેરેથી થતાં આત્મિક લાભ વિશે વિચારતા રહેનાર અને સાથે સાથે સમજતા રહેનારનાં મોહનીય કર્મો ઘટતા જાય છે અને હંમેશ માટે પૂરેપૂરા દૂર થઇ જાય છે.

તેથી મોહનીય કર્મના આધારે ટકી રહેલા જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ અને અંતરાય કર્મ હંમેશ માટે પૂરેપૂરા દૂર થઇ જાય છે. ત્યારે અરૂપીપણું, અક્ષય સ્થિતિ, અગુરુલગુ અને અવ્યાબાધ સ્થિતિ સિવાયના બધાં ક્ષાયિક ભાવ હંમેશ માટે પૂરેપૂરા પ્રગટ થઇ જાય છે. ત્યારે તેઓ કેવળજ્ઞાની અરિહંત તીર્થંકર પરમાત્મા થઇ જાય છે.

જેમનું તીર્થંકર થવાનું પુણ્ય નથી તેઓ એ જ સાધના પૂરી કરે છે, તેઓનું કોઈ અરિ ન રહેવાથી તેઓ કેવળજ્ઞાની અરિહંત પરમાત્મા થઇ જાય છે. તેઓ સામાન્ય કેવળજ્ઞાની અરિહંત પરમાત્મા ગણાય છે.

તીર્થંકર કેવળજ્ઞાની અરિહંત પરમાત્માનું આયુષ્ય ખલાસ થાય છે ત્યારે તેમનું તીર્થંકર તરીકેનું પુણ્ય પણ ખલાસ થાય છે. પછી તેઓનો જીવ સામાન્ય કેવળજ્ઞાની અરિહંત પરમાત્મા થઇ જાય છે.

પછી તેમનું નવું આયુષ્ય ન હોવાથી તેઓ હંમેશ માટે શરીર રહિત રહે છે. ત્યારે તેઓ સિદ્ધ પરમાત્મા ગણાય છે.

આવા કેવળજ્ઞાની અરિહન્ત પરમાત્માઓ મારા કરતાં અનંતવાર અનંતગણા મહાન છે એ મને સમજાય છે અને હું સ્વીકાર કરું છું.

અરિહંતોને નમસ્કાર કરું છું.

હર સમય અરિહંતોના ક્ષાયિક ભાવો વિષે વિચારતો રહું અને સાથે સાથે સમજતો રહું.

- મોહનલાલ ધનજી ફુરિઆ


Tuesday 29 July 2014

Understanding Navkar 8.. નવકારની સમજ 8

નવકારની સમજ
આઠમો લેખ
અનંત આત્મિક ક્ષાયિક સમ્યક્-ત્વ ભાવ (યથાર્થ દૃષ્ટિ, સમ્યગ્દર્શન, સમકિત) વિષે જો આ રીતે વિચારતા રહેવાય અને સાથે સાથે સમજતા રહેવાય તો સમ્યક્ (યથાર્થ) જ્ઞાન ક્રિયા થાય અને સમ્યક્-ત્વ સાથે માનસિક તથા આત્મિક સોબત (સંગ) થાય, ધર્મ ધ્યાન થાય:-
સમકિત એટલે યથાર્થ દૃષ્ટિ, એટલે ખરી શ્રધા. યથાર્થ એટલે સમ્યક્, એટલે કે જે જેવું હોય તેવું જ. દૃષ્ટિ એટલે જોવાની રીત, માન્યતા અથવા શ્રધ્ધા.
જો યથાર્થ દૃષ્ટિ હોય તો સાચી વાત સાચી લાગે છે અને ખોટી વાત ખોટી લાગે છે, હિતકારી વાત હિતકારી લાગે છે અને અહિતકારી વાત અહિતકારી લાગે છે.
જો યથાર્થ દૃષ્ટિ હોય તો જે જેવું હોય તેનાથી જુદું ન દેખાય. પણ જેમ કમળો થવાથી સફેદ રંગની ચીજ પીળારંગની દેખાય, તેમ યથાર્થ દૃષ્ટિ ન હોય ને મિથ્યાત્વ (મિથ્યા દૃષ્ટિ) હોય તો ખરી વાત ખરી લાગતી નથી પણ ખોટી લાગે છે. હકીકતમાં જે જેવું હોય તેનાથી ઊલટું લાગે તો એ મિથ્યા દૃષ્ટિ ગણાય છે.
જેવી માન્યતા તેવું વર્તન થાય છે. પૈસાથી બધું મળે એમ માનનારાઓ વધારે પૈસા મેળવવા સ્વેચ્છાએ મહેનત કરતા રહે છે. પરંતુ પૈસાથી સુખશાંતિ ન થાય ને તૃષ્ણા ન રહેવાથી સુખશાંતિ થાય એમ માનનારાઓ સ્વેચ્છાએ તૃષ્ણા રહિત થવાની સમ્યક્ મહેનત કરતા રહે છે. જો માન્યતા ખરી ન હોય તો ઘણી મહેનત નિષ્ફળ જાય છે. એટલે વર્તન સુધારવા માન્યતા સુધરવી જોઈએ, સાચી શ્રધા થવી જોઈએ. જ્યાં સુધી માન્યતા ન બદલાય ત્યાં સુધી વર્તન પણ ન બદલાય.
યા તો માન્યતા સાચી હોય અથવા ખોટી હોય, યથાર્થ હોય અથવા મિથ્યા હોય. લોકમાં જેમ પ્રકાશ અને અંધકાર, એ બેમાંથી કોઈપણ એક તો રહે જ છે, તેમ માન્યતા પણ સાચી અને ખોટી, એ બેમાંથી કોઈપણ એક તો રહેજ છે. માન્યતા પણ સાચી નહિ હોય તો ખોટી રહેવાની જ. ખોટી માન્યતાથી (મિથ્યા દૃષ્ટિથી) હિતેચ્છુઓની વાતો યોગ્ય લાગતી નથી અને બહારથી ઊજળા દેખાતા દંભી લોકોની વાતો અયોગ્ય હોવા છતાં યોગ્ય લાગે છે. પરિણામે ખોટે રસ્તે ચડી જવાય છે અને પાછળથી પસ્તાવો કરવાનો વખત આવે છે. યથાર્થ દૃષ્ટિ ન હોવાથી જગતભરના મનુષ્યો દુન્યવી સાધનો અને સગવડો દ્વારા સુખશાંતિ થશે એમ માનીને સાધનો વિકસાવી રહ્યા છે. પરંતુ પરિણામ ધાર્યા કરતાં ઊંધું આવી રહ્યું છે. સુખશાંતિને બદલે ચારેબાજુ અશાંતિ, ચિંતા અને તાણ વધી ગઈ હોય એવા મનુષ્યો જોવા મળે છે. અઢળક સંપત્તિ ધરાવનારા મનુષ્યોનાં સંતાનો સગવડવાળાં બધાંજ આધુનિક સાધનો વાપરવા છતાં, સુખશાંતિ ન થવાથી હવે સુખશાંતિ માટે યોગીઓને શોધવા જગતભરમાં ભટકી રહ્યા છે.
અનુભવીઓનું કહેવું માની લેવું એ વિશ્વાસ છે. પણ અનુભવીઓનું કહેલું અજમાવીને અનુભવ કરી જોવાથી શ્રદ્ધા થાય છે. આવી શ્રદ્ધા ડગી શકતી નથી. શ્રદ્ધા જ્યાં સુધી હંમેશ માટે અડગ ન થાય ત્યાં સુધી, અનુભવથી જાણેલા સત્યને વારંવાર વિચારતા રહેવું જોઈએ અને સાથે સાથે સમજતા રહેવું જોઈએ, યાદ કરતાં રહેવું જોઈએ.
સાચી શ્રદ્ધા અથવા સાચી અડગ માન્યતા તો સાચી સમજવાળા અનુભવીઓની સાચી વાણીના બળ ઉપર અને પોતાના સાચા અનુભવના બળ ઉપર ઊભી હોય છે. સાચી અડગ માન્યતા થયા વિના સારાં અને ધર્મનાં સમ્યક્ કાર્યો યોગ્ય રીતે થઇ શકતાં નથી. તેથી તે કાર્યોના પરિણામ વિષે જે ખાતરી અપાયેલી હોય, તે પ્રમાણે સારું હિતકારી પરિણામ આવતું નથી અને ઘણીવાર તો નુકશાન પણ થાય છે. સાચી અડગ માન્યતા વિના ધર્મનાં કાર્યો કરનારાઓ અને સમાજસેવા કરનારાઓ પોતાને બીજાઓ કરતાં ઘણા ઊંચા માનતા રહે છે, એટલે કે મદ અને અભિમાનના ભોગ બને છે. સાચી અડગ માન્યતા વિના તપ કરનારાઓને ક્રોધ આવી જાય છે. સાચી અડગ માન્યતા વિના ધર્માંધ અને ધર્મઝનૂની બની જવાય છે. ધર્મના નામે બળજબરી કરાય છે, જુલમ કરાય છે, ગુસ્સો કરાય છે, નિર્દોષોની હત્યા કરાય છે. સાચી અડગ માન્યતા વિના પાળેલા ધર્મથી જેટલો થવો જોઈએ એટલો સુધારો થતો નથી, જે માનવતા આવવી જોઈએ તે આવતી નથી અને જે સદ્ ગુણો પ્રગટ થવા જોઈએ તે પ્રગટ થતાં નથી.
સાચી અડગ માન્યતા, એટલે કે યથાર્થદૃષ્ટિ થઇ ન હોય તો અનુભવીઓનું જણાવેલું યથાર્થજ્ઞાન ભણવા છતાં તેના માટે તે મિથ્યાજ્ઞાન (ઊલટુંજ્ઞાન) થઇ જાય છે તેથી, એ જ્ઞાનનો સદુપયોગ થઇ શકતો નથી. એટલે જે લાભ થવો જોઈએ તે થતો નથી, જે હિત થવું જોઈએ તે થતું નથી.
યથાર્થદૃષ્ટિ હોય તો જગતનું સાકાર રૂપ અને નિરાકાર બાબતોમાં સાકાર પૌદ્ ગલિક્ ચીજો સતત બદલાતી હોવાનું દેખાય છે અને જીવાત્મોની નિરાકાર સમજણ વારંવાર બદલાતી જણાય છે. પરંતુ પૂરેપૂરા શુદ્ધ આત્માઓની સમજણ હંમેશ માટે એકસરખી જળવાઈ રહે છે અને ક્યારેય બદલાતી નથી તથા દેહધારી કેવળજ્ઞાનીઓની સમજણ પણ હંમેશાં એકસરખી રહે છે અને ક્યારેય બદલાતી નથી એમ જણાય છે. યથાર્થદૃષ્ટિથી સમજાય છે કે કોઈ પણ સાકાર ચીજો અને દેહધારી જીવોના હંમેશ માટે માલિક બની શકાતું નથી, પણ તે બંને અમુક સમય સુધીજ પોતાના કબજામાં રાખી શકાય છે તેમજ વાપરી શકાય છે. એ બંનેય સુખશાંતિ આપી શકતાં નથી, પણ તેમના પર આસક્તિ અને મમતા રાખવાથી દુઃખ-અશાંતિ થાય છે. પરંતુ જો આસક્તિ અને મમતા ન હોય તો, કોઈપણ ચીજોથી દુઃખ-અશાંતિ થઇ શકતી નથી. સાકાર ચીજોનો વિયોગ ક્યારેક ને ક્યારેક તો થાય છે.
યથાર્થદૃષ્ટિથી સમજાય છે કે જેમને આસક્તિ કે મમતા નથી હોતી, તેમને કોઈ જાતની અપેક્ષા રહેતી નથી. આ નિરપેક્ષ સ્થિતિને લીધે સુખશાંતિ થાય છે. કોઈ અપેક્ષા ન રહેવાથી નિ:સ્વાર્થ થવાય છે. તેથી શુદ્ધપ્રેમ (નિ:સ્વાર્થ પ્રેમ), સાચી મૈત્રી અને ખરી સેવા વગેરે સદ્-ગુણો પ્રગટ થાય છે, જેનાથી સુખશાંતિ થાય છે.
યથાર્થદૃષ્ટિને લીધે જે જેવું હોય તેનાથી ઊલટું દેખાતું નથી, એટલે જે હિતકારી હોય તે અહિતકારી દેખાતું નથી અને જે અહિતકારી હોય તે હિતકારી દેખાતું નથી. આને લીધે ઊંધા પ્રયત્નો કરવામાંથી બચી જવાય છે, એટલે સમય અને શક્તિ વગેરે વેડફાતાં નથી. યથાર્થદૃષ્ટિને લીધે સાચી દિશામાં સમ્યક્ પ્રયત્નો થવા લાગે છે.
યથાર્થદૃષ્ટિને લીધે દેખાય છે કે દેહ, નામ, સગાં-સંબંધી, ધનદોલત વગેરે હંમેશ માટે સાથે રહેતાં નથી. એ બધાનો સદુપયોગ કરવાથી ભલું થાય છે તથા દુરુપયોગ કરવાથી બૂરું થાય છે.
યથાર્થદૃષ્ટિને લીધે સમજાય છે કે પોતે જાણતાં કે અજાણતાં કરેલા ગુનાની સજારૂપે પોતાનું બગડે છે. જો પોતે પહેલાં ક્યારેય ખરાબ કર્યું ન હોય તો પોતાનું બૂરું જરાય થઇ શકતું નથી. આમ હકીકતને સ્વીકારવાથી તેઓ ઝઘડા અને વેરબંધનથી બચી જાય છે.
યથાર્થદૃષ્ટિને લીધે દેખાય છે કે કોઈ પણ જીવાત્માને દુઃખ-અશાંતિ જોઈતા નથી, પણ સુખ-શાંતિ તો સૌને જોઈએ છે. આમ જોઈ શકવાથી તેઓ પોતાના હાથે કોઈને પણ દુઃખ-અશાંતિ ન થઇ જાય એવા પ્રયત્નો કરે છે અને સૌને સુખ-શાંતિ થવામાં મદદરૂપ થવાય એવા પ્રયત્નો કરતાં રહે છે. તેથી તેઓ સૌને ગમે છે.
યથાર્થદૃષ્ટિ થવાથી સમજાય છે કે મોજશોખ માટે અને તકલીફોથી બચવા માટે જે કંઈ સારાં કામો કરાય છે તેનાથી શરૂઆતમાં લાભ થાય છે, પણ પછી વારંવાર નુકશાન થતું રહે છે. પરંતુ કોઈ પણ જાતના દુન્યવી સ્વાર્થ વિના, માત્ર કરુણાને લીધે જે સારાં કામો થાય છે તેનાથી પહેલાં તેમજ પછી, વારંવાર, લાભ થતો રહે છે. યથાર્થદૃષ્ટિ થવાથી પોતાની મેળે કરુણા જાગે છે.
યથાર્થદૃષ્ટિ થયા પછી જે સારાં અને ધર્મનાં હિતકારી કાર્યો થાય છે તેનું પરિણામ ઘણું જ સુંદર આવે છે. તેનાથી સદ્-ગુણો પ્રગટે છે અને દુન્યવી લાભો પણ થાય છે, કે જેમાં આસક્તિ બિલકુલ હોતી નથી.
જેમને પણ યથાર્થ અનુભવ થયો છે, તેમનું કહેવું છે કે સુખ-શાંતિ બહાર ક્યાંય નથી પણ પોતાની અંદર જ છે. જ્યારે મન કે ઇન્દ્રિયોના વિષયભોગો ભોગવ્યા વિના જ એ અદ્-ભુત શાંતિમય સુખનો અનુભવ થાય છે, ત્યારે સાચી શ્રદ્ધા બેસે છે, અડગ યથાર્થદૃષ્ટિ થાય છે, અડગ સાચી માન્યતા થાય છે.
યથાર્થદૃષ્ટિ (અડગ સાચી માન્યતા, સાચી શ્રદ્ધા) થયા પછી જ્યારે પણ જૂની ટેવને લીધે અયોગ્ય (પ્રયત્ન) વર્તન થઇ જાય છે, ત્યારે પોતે યોગ્ય કરતો નથી એટલું તો તેને સમજાય જ છે. પોતે હજી અયોગ્ય કરવાનું છોડી શકતો નથી, તેનું તેને દુઃખ રહે છે અને ખોટું કર્યા બદલ પસ્તાવો થાય છે. આમ થતું રહેવાથી અયોગ્ય (અહિતકારી) કાર્યો કરવાનું ઓછું થતું જાય છે અને છેવટે બંધ થઇ જાય છે. ત્યારે યોગ્ય (હિતકારી) કાર્યો કરવાનું આપોઆપ શરૂ થઇ જાય છે, જેમાં વધારો થતો રહે છે. તેને લીધે પ્રતિકૂળતાઓ ઘટતી જાય છે અને અનુકૂળતાઓ વધતી જાય છે તથા સુખ-શાંતિ પણ વધતાં જાય છે.
સાચી શ્રદ્ધા થયા વિના, માત્ર કોઈના કહેવાથી અથવા લાલચથી કરાતાં સારાં કાર્યો વધુ સમય સુધી ચાલુ રાખી શકાતાં નથી અને આગળ જતાં બંધ થઇ જાય છે.

યથાર્થદૃષ્ટિ પ્રગટ થવાથી પોતાને અને બીજાઓને કેવા કેવા દુન્યવી અને આત્મિક લાભ થાય છે તથા મિથ્યાદૃષ્ટિ થવાથી પોતાને અને બીજાઓને કેવાં કેવાં દુન્યવી અને આત્મિક નુકશાન થાય છે, એ સમજપૂર્વક જોતા રહેવાથી, મિથ્યાદૃષ્ટિ દૂર કરવાની અને સમ્યક્ દૃષ્ટિ જાળવી રાખવાની પ્રેરણા મળતી રહે છે.
સંપૂર્ણ યથાર્થદૃષ્ટિ હંમેશ માટે સતત પ્રગટ રહે ત્યારે આત્માની પરમ પવિત્ર સ્થિતિ થઇ જાય છે, જેનાથી શાશ્વત, અખંડ અને વધુમાં વધુ સુખ-શાંતિ અનુભવાતાં રહે છે. આવા આત્મા એટલે પરમ આત્મા.
આ યથાર્થદૃષ્ટિ (સાચી શ્રદ્ધા, અડગ સાચી માન્યતા) આત્મામાં રહે છે. તે આંખોથી જોઈ શકાતી નથી, પણ કોનામાં કેટલી યથાર્થદૃષ્ટિ પ્રગટ થઇ છે તેને આત્મા સમજી શકે છે, જાણી શકે છે. તેનાં ચિત્ર કે મૂર્તિ બનાવી શકાતાં નથી, એટલે યથાર્થદૃષ્ટિ નિરાકાર છે, અરૂપી છે, અદૃશ્ય છે. તેને છેદી, ભેદી, કાપી, બાળી કે ડુબાવી શકાતી નથી. વળી તેનાથી હિતકારી સત્કાર્યો થાય છે, સદાચાર થાય છે, અનુકૂળતાઓ અને સગવડો થાય છે તથા સ્વસ્થતા અને સુખશાંતિ થાય છે. તેથી યથાર્થદૃષ્ટિ એ નિર્ગુણ એવો આત્મિક સદ્ગુણ છે, ચૈતન્યમય સદ્-ગુણ છે.
કેવળજ્ઞાનીઓનું કહેવું છે કે “યથાર્થદૃષ્ટિ” આત્માનો ગુણ છે. આ યથાર્થદૃષ્ટિ સદ્-ગુણમાં આત્મા જેટલો સમય રહે છે, એટલો સમય ધર્મમાં હોય છે અને જેટલો સમય યથાર્થદૃષ્ટિ સદ્-ગુણમાં ન રહે, એટલો સમય અધર્મમાં હોય છે.
આ રીતે યથાર્થદૃષ્ટિ વિષે અને યથાર્થદૃષ્ટિવાળા સજ્જનો, મહાત્માઓ અને પરમ આત્માઓના યથાર્થદૃષ્ટિથી ભરેલા પ્રસંગો વિષે સમજપૂર્વક સાંભળતા રહેવાથી, વાંચતા રહેવાથી, વિચારતા રહેવાથી, બોલતા રહેવાથી, લખતાં રહેવાથી અને જોતા રહેવાથી સોબત, સત્સંગ, સ્વાધ્યાય, ધ્યાન અને ભક્તિ થાય છે. આ સોબત વગેરે બધાં ઘણા જ ઉત્તમ પ્રકારના હોય છે. જ્યારે પણ ફુરસદ મળે અને જેમાં ચિત્ત રોકવું ન પડે એવી સર્વ પ્રવૃતિઓની સાથે આમ સોબત વગેરે કરતાં રહેવાથી આપોઆપ યથાર્થદૃષ્ટિ પ્રગટ થવા લાગે છે.

યથાર્થદૃષ્ટિ સદ્-ગુણથી કેવા કેવા આત્મિક અને ભૌતિક લાભ થાય અને કેવાં કેવાં આત્મિક અને ભૌતિક નુકસાન થવાનું બંધ થાય એ વિચારતા રહેવાથી અને સાથે સાથે સમજતા રહેવાથી આપણામાં પોતાની મેળે યથાર્થદૃષ્ટિ પ્રગટ થતી જાય છે.

- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ:



Thursday 17 October 2013

Understanding Navkar 7.. નવકારની સમજ 7


નવકારની સમજ

સાતમો લેખ


કેવળજ્ઞાની અરિહંતોને શાશ્વત કાલ માટે પૂરેપૂરું સમજાઈ ગયું છે કે પોતે પૌદ્ ગલિક દેહ નથી પણ શુદ્ધ આત્મા છે અને પોતાનાં શુદ્ધ આત્મા સિવાય બીજું કંઈ પણ પોતાનું નથી અને પોતાનું થઇ શકે એમ નથી.
આમ પોતે મનુષ્યદેહ છે એવો તેમનો (ભ્રમ) મોહ, પોતાનાં શુદ્ધ આત્મા સિવાયના જડ નામ, હોદ્દો, ચીજો  અને દેહધારી ચેતન જીવો પોતાનાં છે એવો તેમનો (ભ્રમ) મોહ, પાંચ ઇન્દ્રિયોના વિષયભોગો, માનસિક વિષયભોગો અને જાતીય વિષયભોગો ભોગવવાથી સુખશાંતિ થાય છે એવો તેમનો (ભ્રમ) મોહ શાશ્વત કાલ માટે પૂરેપૂરો દૂર થઇ ગયો છે. ક્રોધ, માન (એટલે કે મદ અને અભિમાન), માયા-કપટ અને લોભ એ ચાર કષાયો નકામા અને નુકશાન કરનારા છે તથા હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંષકવેદ એ નવ નોકષાયો કષાયો ઉપજાવનારા છે એ તેમને પૂરેપુરું સમજાઈ ગયું છે અને શાશ્વત કાલ માટે યાદ રહી ગયું છે, તેથી તેમનો મોહનીયકર્મ શાશ્વત કાલ માટે પૂરેપૂરો દૂર થઇ ગયો છે. તેથી આ મોહનીયકર્મના આધારે ટકી રહેલા અંતરાયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મ, એ ત્રણેય કર્મો શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થઇ ગયા છે.

પરંતુ હજી તેમના આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ, એ ચાર કર્મો બાકી હોવાથી અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરૂલઘુતા અને અવ્યાબાધપણું, એ ચાર આત્મિક ગુણો સિવાયના બધા આત્મિક સદ્-ગુણો જેવાકે, અનંત ક્ષાયિક સમકિત (સમ્યક્ત્વ, સમ્યગ્દર્શન, યથાર્થ દૃષ્ટિ), અનંત ક્ષાયિક સમ્યક ચરિત્ર, અનંત ક્ષાયિક કેવલજ્ઞાન, અનંત ક્ષાયિક કેવલ દર્શન, અનંત ક્ષાયિક દાન, અનંત ક્ષાયિક લાભ, અનંત ક્ષાયિક ભોગ, અનંત ક્ષાયિક ઉપભોગ, અનંત ક્ષાયિક વીર્ય એ નવ ક્ષાયિક સદ્-ગુણો તથા અનંત જાગૃતિ, અનંત સમતા (વીતરાગતા, અનાસક્તિ), ઈચ્છારહિતતા, અપેક્ષારહિતતા, પ્રસન્નતા, સુખશાંતિ, નિ:સ્વાર્થ મૈત્રી - નિ:સ્વાર્થ પ્રેમ, નિ:સ્વાર્થ સેવા, સમ્યક્ તપ, સદાચાર, ક્ષમાભાવ, નમ્રતાભાવ, સરળતાભાવ, સંતોષભાવ, કરુણાભાવ, દયાભાવ, બ્રહ્મચર્યભાવ, નીડરતા, ઉદારતા, સ્વતંત્રતા, સંપ, સ્વાધીનતા, ઉધ્યમતા, ધીરજ, સાહસિકતા વગેરે બધા આત્મિક સદ્ગુણો શાશ્વત કાલ માટે પૂરેપૂરા પ્રગટ થઇ ગયા છે.


Saturday 10 August 2013

Understanding Navkar 6.. નવકારની સમજ 6

નવકારની સમજ

છઠો લેખ

મમત્વ એટલે મારું છે એમ માની લેવું. જીવ માની શકે છે. જેનામાં જીવ નથી તે માની શકતા નથી.
અનંત કાળથી આજ સુધી રાજાઓ, ચક્રવર્તીઓ, ઇન્દ્રો અને સમર્થો જીવ વિનાના પદાર્થોને, કોઈ પણ જાતના જીવોને કે નામ વગેરેને પોતાના બનાવી શક્યા નથી અને મર્યા પછી પોતાની સાથે લઇ જઈ શક્યા નથી.
નામ કોનું હોય છે? જ્યારે અમરસિંહ નામધારી મનુષ્ય મરી જાય છે ત્યારે તેનો જીવ  શરીર છોડીને એકલો જતો રહે છે. ત્યારે તે શરીર અમરસિંહ કહેવાતું નથી પણ મડદું કહેવાય છે. એ શરીર છોડી જનારને અમરસિંહનો જીવ ચાલ્યો ગયો કહેવાય છે. એટલે અમરસિંહ નામ શરીરનું કે જીવનું નથી પણ જીવ અને શરીર જ્યાં સુધી સાથે રહે છે ત્યાં સુધી એ જોડીને ઓળખવા માટે નામ રાખેલું હોય છે.
નામ તો જીવન દરમ્યાન બદલાય પણ છે. આંકડાશાસ્ત્ર પ્રમાણે નામ બદલવાથી લાભ થતો હોય કે નુકસાન અટકતું હોય તો નામ બદલવામાં આવે છે. લગ્ન વખતે કેટલીક સ્ત્રીઓનું નામ બદલવામાં આવે છે. સાધુ થનાર, એક્ટર અને એક્ટ્રેસ થનાર નામ બદલે છે. વાલિયા લુંટારાનું નામ વાલ્મિક ઋષિ થઇ ગયેલું.
સગા બદલાતા હોય છે. ભાઈના લગ્ન બહેનની સાથે થતાં પતિ-પત્ની થઇ જાય છે. વિધવા માતા કાકા સાથે પરણતાં કાકી થઇ જાય છે. વિધવા કાકી વિધુર પિતા સાથે પરણતાં માતા થઇ જાય છે. ભૌતિક સ્વાર્થ ઘવાતાં એકનો એક પુત્ર માતા સાથેનો સંબંધ તોડી નાખે છે કે એકના એક પુત્ર સાથે માતા સંબંધ તોડી નાખે છે કે મિત્ર શત્રુ બની જાય છે, બહેન ભાઈ સાથે સંબંધ તોડી નાખે છે. પ્રેમલગ્ન કરનારાઓ છુટા છેડા લઇ લે છે. પોતાનાં પરાયાં થઇ જાય છે.
પુણ્ય ખૂટતાં કરોડપતિ રસ્તે રઝડતો કંગાળ રોડપતિ થઇ જાય છે. મોરબી શહેર પર મોટા ડેમનું પાણી ફરી વળતાં એક વૃદ્ધ કરોડપતિ નજર સામે પોતાની સંપતિ, વાહનો, રાચરચિલું, નાના-મોટાં બધા કુટુંબીઓ તણાઈને દરિયામાં સમાઈ ગયા અને બંગલાઓ ખંડેરમાં ફેરવાઈ ગયા અને પોતે રસ્તા પર આવી ગયા હતા.
આ જગતમાં પોતાનાં શુદ્ધ આત્મા સિવાય જીવનું બીજું કંઈ જ નથી. બીજું બધું ભાડૂતી છે, જે પુણ્યના બદલામાં અમુક સમય સુધી વાપરવા મળે છે. પુણ્ય ખૂટતાં બીજું બધું દૂર થઇ જાય છે અથવા જીવને એ બધું છોડી જવું પડે છે.
શરીરને હું માનનાર બધા મનુષ્યોને મરે ત્યારે અનિચ્છાએ શરીર છોડીને ચાલ્યા જવું પડે છે. ત્યારે મનુષ્યોની હિતકારી અને અહિતકારી ટેવો, સંસ્કારો અને આદતો તેમના આત્માની સાથે જાય છે, સદ્-ગુણીપણું અથવા દુર્ગુણીપણું સાથે જાય છે, સદાચારીપણું અથવા દુરાચારીપણું સાથે જાય છે. પુણ્ય અને પાપ સાથે જાય છે; અજ્ઞાન, ઊંધી માન્યતા (મિથ્યાત્વ), ક્રોધ-માન-માયા-લોભ, પાંચ ઇન્દ્રિઓના વિષયભોગો-જાતીય વિષયભોગો-માનસિક વિષયભોગોમાં સુખબુદ્ધિ-લાલસા-આકર્ષણ-આસક્તિ, શુભ અને અશુભ વિચાર-વાણી-વર્તન કરવાની ટેવ તથા અવિરતિ મનુષ્યોના જીવો સાથે જાય છે. ખાવા-પીવાની, ઊંઘવાની, ડરવાની અને મૈથુન કરવાની ટેવ સાથે જાય છે.
કેવલજ્ઞાનીઓ કહે છે: જીવની જુદી જુદી વિશેષતાઓને ઢાંકી દેનારા આવરણો આઠ પ્રકારના છે.
૧. જ્ઞાનાવરણીયકર્મ, ૨. દર્શનાવરણીયકર્મ, ૩. અંતરાયકર્મ, ૪. મોહનીયકર્મ, ૫. આયુષ્યકર્મ, ૬. નામકર્મ, ૭. ગોત્રકર્મ અને ૮. વેદનીય કર્મ.

આ આઠેય કર્મો અરિ છે અને સમ્યક્ તપથી દૂર કરી શકાય છે. મોહનીયકર્મ શાશ્વત કાલ માટે પૂરેપૂરો દૂર કરવાથી અંતરાયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મ આપોઆપ શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થઇ જાય છે. આ ચારેય કર્મો સંપૂર્ણપણે દૂર થવાથી જીવમાં રહેલા અનંત ક્ષાયિક સમકિત, અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન, અનંત વીર્ય (સમજણ સાથેની શક્તિ) અને અનંત સુખશાંતિ શાશ્વત કાલ માટે પૂરેપૂરા પ્રગટ થાય છે, જ્યારે આયુષ્યકર્મ શાશ્વત કાલ માટે દૂર થાય છે ત્યારે નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ પણ આપોઆપ શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થાય છે. અને અનુક્રમે અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરૂલધુ તથા અવ્યાબાધપણું એ ચાર આત્મિક ગુણો જીવમાં શાશ્વત કાલ માટે પૂરેપૂરા પ્રગટ થાય છે.

- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ:

Friday 28 June 2013

Understanding Navkar 5.. નવકારની સમજ 5

નવકારની સમજ

પાંચમો લેખ
ઝાંઝવાનું જળ (મૃગજળ) રણમાં લૂ (ગરમ હવા) વાય છે ત્યારે દૂરથી પાણી જેવું દેખાય છે. જેને જોઈને તરસ્યું હરણ (મૃગ) તે પીવા માટે જાય છે. ત્યારે તે પાણી જેવું દૂર અને દૂર દેખાય છે. હકીકતમાં તે પાણી નથી હોતું, પણ પાણી હોવાનો ભ્રમ (મોહ) હોય છે.
શું આત્મિક સિવાયના બધા ભૌતિક વિષયભોગો સુખશાંતિ આપનારા છે? કે મૃગજળ જેવા ભ્રામક છે? એ આ રીતે તપાસી શકાય છે:-
જેમાં જે ખરેખર હોય તે ક્યારેક હોય અને ક્યારેક ન હોય એવું થઇ ન શકે. જેમાં જે હોય તે કેટલાક માટે હોય અને કેટલાક માટે ન હોય એવું પણ થઇ ન શકે. જેમાં જે હોય તેનાથી ઊલટું તેમાં હોઈ શકે નહીં.
જે ખરેખર સુખશાંતિ આપનાર હોય તે ક્યારેક સુખશાંતિ આપે અને ક્યારેક સુખશાંતિ ન આપે એવું થઇ શકે નહીં. તે એકને સુખશાંતિ આપે અને બીજાને સુખશાંતિ ન આપે એવું થઇ શકે નહીં. તે ક્યારેય દુઃખ-અશાંતિ આપે નહીં.
વધારેમાં વધારે ભાવતી વાનગી દરરોજ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તે એકની એક વાનગી પેટ ભરીને ખાઈએ અને બીજું કંઈ ન ખાઈએ, તેનાથી જો ખૂબ સુખશાંતિ થાય, બીજા એ એકની એક વાનગી દરરોજ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાય અને બીજું કંઈ ન ખાય તો તેમને પણ જો ખૂબ સુખશાંતિ થાય તથા એ પ્રમાણે ખાવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ક્યારેય ન થાય તો ખાતરી થાય કે ખરેખર એ વાનગી ખાવાથી સુખશાંતિ થાય.
વધારેમાં વધારે પસંદ હોય એ ગીત દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ ગીત દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો બીજા બધાને ખૂબ સુખશાંતિ થાય તથા એ ગીત દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી આપણને અને બીજાઓને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે ખરેખર એ ગીત સાંભળવાથી સુખશાંતિ થાય.
વધારેમાં વધારે પસંદ હોય એ ચલચિત્ર દરરોજ આખો દિવસ જોતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ ચલચિત્ર આખો દિવસ જોતા રહેવાથી જો બીજા બધાને ઘણી સુખશાંતિ થાય તથા એ ચલચિત્ર દરરોજ આખો દિવસ જોતા રહેવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે ખરેખર એ ચલચિત્ર જોવાથી સુખશાંતિ થાય.
જો વધારેમાં વધારે શોભીએ એવા ઊંચામાં ઊંચા કપડામાંથી એક સરખા રંગો અને ડીઝાઈનના ઘણા ડ્રેસ બનાવીને દરરોજ આખો દિવસ એ ડ્રેસ પહેરીએ અને બીજું કંઈ ન પહેરીએ, તેનાથી જો ઘણી સુખશાંતિ થાય. બીજાઓ એવા ડ્રેસ દરરોજ આખો દિવસ પહેરે અને બીજું કંઈ ન પહેરે, તેનાથી જો તેમને ઘણી સુખશાંતિ થાય તથા એવા ડ્રેસ દરરોજ આખો દિવસ પહેરવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે એ ડ્રેસ પહેરવાથી ખરેખર સુખશાંતિ થાય.
વધારેમાં વધારે પસંદ હોય એ રમત દરરોજ આખો દિવસ રમતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ રમત દરરોજ આખો દિવસ રમતા રહેવાથી બીજા બધાને જો ઘણી સુખશાંતિ થાય તથા એ રમત દરરોજ આખો દિવસ રમતા રહેવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ન થાય તો ખાતરી થાય કે ખરેખર એ રમત રમવાથી સુખશાંતિ થાય.
આગેવાનોએ આપણા ઘણા વખાણ કર્યા હોય, તે રેકોર્ડ કરી દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ રેકોર્ડિંગ દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો બીજા બધા સાંભળનારાઓને ઘણી સુખશાંતિ થાય તથા એ રેકોર્ડીંગ દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી આપણને અને બીજા બધા સાંભળનારાઓને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે એ વખાણ સાંભળવાથી ખરેખર સુખશાંતિ થાય.
ઘણી સત્તા મળવાથી જો દરરોજ ઘણી સુખશાંતિ થાય. બીજા બધાને સત્તા મળવાથી જો દરરોજ ઘણી સુખશાંતિ થાય તથા સત્તા મળવાથી આપણને અને બીજાઓને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે સત્તા મળવાથી ખરેખર સુખશાંતિ થાય.
ગૃહસ્થોને ધનવાન થવું હોય છે. જો ગૃહસ્થને લાખ કરોડ રૂપિયા મળી જાય તો એટલો રાજી થાય છે કે સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો, હિતેચ્છુઓ, ઓળખીતાઓ વગેરે મળીને આખી રાત ઉજવે છે. એ રૂપિયાથી જો તેને ઘણી સુખશાંતિ થઇ હોય, તો હવે એ રૂપિયા તેની પાસે દરરોજ પડ્યા હોવાથી તેને પહેલા દિવસ જેટલી સુખશાંતિ દરરોજ થવી જોઈએ તથા એ રૂપિયાથી તેને દુઃખ-અશાંતિ થવી ન જોઈએ. જો એ પ્રમાણે થાય તો ખાતરી થાય કે ખરેખર ધનવાન થવાથી સુખશાંતિ થાય.
એકબીજાને વધારેમાં વધારે પસંદ હોય એવા પતિ-પત્ની દરરોજ આખો દિવસ મૈથુન કરતાં રહે, તેથી તેમને જો દરરોજ ઘણી સુખશાંતિ થાય. જો બીજા બધા દંપતી દરરોજ આખો દિવસ મૈથુન કરતાં રહે, તેથી તેમને જો દરરોજ ઘણી સુખશાંતિ થાય. તથા આખો દિવસ દરરોજ મૈથુન કરતાં રહેવાથી કોઈ પણ દંપતીને દુઃખ-અશાંતિ ન થાય તો ખાતરી થાય કે મૈથુન કરવાથી ખરેખર સુખશાંતિ થાય.
જેમને ચા પીવાની ટેવ હોય છે તેમને ચા પીવાના સમયે ચા પીવાની ઈચ્છા અને અપેક્ષા શરૂ થાય છે. ત્યારે અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ પેદા થાય છે. મોડું થવાથી તે બધું વધે છે. ચા પીધા પછી એ ઈચ્છા અને અપેક્ષા ન રહેવાથી અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ દૂર થાય છે. તેથી સ્વસ્થતા, શાંતિ અને સુખ અનુભવાય છે. આમ ચા પીવાથી નહીં, પરંતુ ઈચ્છારહિતતા અને અપેક્ષારહિતતાથી ખરેખર સુખશાંતિ થાય છે.
જો ચા પીવાથી સુખશાંતિ થતી હોય તો જ્યારે ચા પીવાની જરાય ઈચ્છા ન હોય અને અપેક્ષા ન હોય ત્યારે ચા પીવાથી સુખશાંતિ થવી જોઈએ. વધારે ને વધારે ચા પીતા રહેવાથી સુખશાંતિ વધતી રહેવી જોઈએ. જેમને ચા પીવાનું જરાય પસંદ નથી તેમને ચા પીવાથી સુખશાંતિ થવી જોઈએ. તથા ચા પીવાથી કોઈ પણ ચા પીનારને દુઃખ-અશાંતિ થવી ન જોઈએ. તો ખાતરી થાય કે ચા પીવાથી ખરેખર સુખશાંતિ થાય.
આમ પાંચ ઇન્દ્રિયોના વિષયભોગો, માનસિક વિષયભોગો અને જાતીય વિષયભોગોથી ખરેખર સુખશાંતિ થાય છે કે કેમ? એની તપાસ અને ખાતરી કરતાં રહેવાથી એ ત્રણેય પ્રકારના વિષયભોગો ભોગવવાથી થોડી કે થોડીવાર માટે પણ સુખશાંતિ થઇ શકતી નથી એ હકીકત ખ્યાલમાં આવવા લાગે છે અને જ્યારે પણ થોડી કે વધારે સુખશાંતિનો અનુભવ થાય છે તે ઈચ્છારહિત અને અપેક્ષારહિત થવાથી થાય છે એ હકીકત સમજાતી રહે છે. જ્યારે આ હકીકત શાશ્વત કાલ માટે યાદ રહી જાય છે ત્યારે પછી કોઈ ખાતરી કરવી પડતી નથી.
અરિહંતોને આ હકીકત શાશ્વત કાલ માટે યાદ રહી ગઈ છે.

- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ:

Thursday 23 May 2013

Understanding Navkar 4.. નવકારની સમજ 4

નવકારની સમજ
ચોથો લેખ


નમો અરિહંતાણં. નમસ્કાર કરું છું અરિહંતોને. અરિહંતોને = અરિ + હંતોને. અરિ એટલે શત્રુ, દુશ્મન. જેનાથી સદ્-ગુણો ઢંકાઈ જાય, સદાચાર થઇ ન શકે, દુઃખ-અશાંતિ થાય, તકલીફો થાય, દુર્ગુણી અને દુરાચારી થવાય તે અરિ ગણાય. હંતોને એટલે નાશ કરનારાઓને.
આ બધા દુર્ગુણો જેવાકે, અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, ક્રોધ, માન, માયા-કપટ, લોભ, ગમો-અણગમો (રાગ-દ્વેષ, આસક્તિ), પ્રમાદ તથા અહિત કરનારી માનસિક, વાચિક અને શારીરિક ક્રિયાઓ અરિ છે, દુશ્મનો છે. જેનો નાશ કરવાથી પ્રાણનો નાશ થતો નથી. હિંસા થતી નથી.
જેટલી સમ્યક્ સમજ ઓછી એટલું અજ્ઞાન ગણાય.
જે ખરેખર જેવું હોય તેનાથી જેટલી ઊલટી માન્યતા એટલું મિથ્યાત્વ ગણાય.
જેટલું છોડવા યોગ્ય ન છોડાય એટલી અવિરતિ ગણાય છે.
આત્માની ઉન્નતિ માટે જેટલું કરવા યોગ્ય હોય એટલું ન કરાય એટલો પ્રમાદ ગણાય.
કેવળજ્ઞાનીઓ કહે છે કે ગમો-અણગમો કરવો ગુનો છે, પાપ છે.
ગમો-અણગમો કરવા માત્રથી ગમતું મળતું નથી અને અણગમતું ટળતું નથી. યોગ્ય પ્રયત્નો કરાય ત્યારે જરૂરી મળે છે અને ટાળવા જેવું ટળે છે. ગમો-અણગમો ન કરાય પણ યોગ્ય પ્રયત્નો કરાય તો પણ જરૂરી હોય એ મળે છે અને ટાળવા જેવું ટળે છે. ગમો-અણગમો કરવાની જરાય જરૂર નથી. એટલે ગમો-અણગમો કરવો નકામો છે.
ગમો-અણગમો થવાથી ગમતું મળે તો સારું અને અણગમતું ટળે તો સારું એવી ઈચ્છાઓ થાય છે અને અપેક્ષાઓ રખાય છે. ત્યારથી અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ શરૂ થાય છે, ગમતું મળવામાં અને અણગમતું ટળવામાં મોડું થાય તો અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ વધતા રહે છે. ત્યારે આર્ત્તધ્યાન થાય છે. આ ઈચ્છાઓ, અપેક્ષાઓ અને આર્ત્તધ્યાન અરિ છે.
ગમતું મેળવવા અને અણગમતું ટાળવા પ્રામાણિક પ્રયત્નો કરાય છે. એનાથી ગમતું ન મળે અને અણગમતું ન ટળે તો અપ્રામાણિક પ્રયત્નો કરતાં થવાય છે. ત્યારે બધી જાતના પાપ (ગુના) કરાય છે. આ બધી જાતના પાપ અરિ છે. જો ગમો-અણગમો ન કરાય તો કોઈ પણ પાપ કરવાની જરૂર પડતી નથી.
આમ ગમો-અણગમો કરવો નકામો છે, દુઃખ-અશાંતિ ઉપજાવનાર છે અને જેની સજાઓ થાય એવા બધા પાપ કરાવનારા છે તથા બધી જાતના દુર્ગુણી અને દુરાચારી બનાવનાર છે.
જગતમાં અજ્ઞાની અને મિથ્યાત્વી મનુષ્યો ઘણા છે અને સાચી, સમ્યક્ સમજ ધરાવતા મનુષ્યો સાવ થોડા છે.
આ ઘણા મનુષ્યો પોતાને પસંદ હોય એવા ગીતો કર્ણેન્દ્રિયથી સાંભળે, નાટક-સિનેમા આંખોથી જુએ, સુગંધ નાકથી સૂંઘે, ખાન-પાન મોંથી ખાય-પીએ, સ્પર્શેન્દ્રિયથી અડકે, જાતીય ભોગો ભોગવે અને માનસિક ભોગો જેવા કે સત્તા, કીર્તિ, રમત, ઘણી કમાણી, ઉત્સવો, લગ્ન, સંતાનો વગેરેથી રાજી થાય છે એ જોઈ જોઈને બાળકો માનવા લાગે છે કે ઇન્દ્રિયોના વિષયભોગો, જાતીય ભોગો અને માનસિક વિષય ભોગો ભોગવવાથી સુખ થાય અને જેનાથી સુખ થાય છે એમ માન્યું તે ગમે છે અને આ ઘણા મનુષ્યો જેનાથી દુઃખી થાય છે તેનાથી દુઃખ થાય એમ માન્યું, તેથી તેવા પ્રસંગો તરફ અણગમો થાય છે. આમ ગમો-અણગમો (રાગ-દ્વેષ) શરૂ થાય છે.
પરંતુ કેવળજ્ઞાનીઓ કહે છે, ઇન્દ્રિયોના, જાતીય અને માનસિક ભોગો ભોગવવાથી જરાય સુખ થતું નથી, થોડીવાર માટે પણ સુખ થતું નથી.
નિષ્ણાત નિતિશાસ્ત્રીઓ કહે છે ખાતરી કર્યા પછી માનવું.
જેમકે અગ્નિ ગરમ છે. તેને જ્યારે પણ અડકીએ ત્યારે ગરમ લાગે છે. તેને કોઈ પણ અડકે તો તેને ગરમ લાગે છે તથા ક્યારેય બરફ જેવો ઠંડો લાગતો નથી. આમ ખાતરી થાય છે કે અગ્નિ ગરમ છે.
બરફને જ્યારે પણ અડકીએ, જે કોઈ અડકે ઠંડો લાગે છે અને ક્યારેય ગરમ લાગતો નથી. તેથી બરફ ઠંડો છે એની ખાતરી થાય છે.

નિ:સ્વાર્થ મૈત્રીથી સુખશાંતિ થાય છે એની ખાતરી થઇ શકે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયભોગો, માનસિક વિષયભોગો અને જાતીય વિષયભોગો ભોગવવાથી સુખશાંતિ થાય એની ખાતરી થાય તો જ માનવું કે એ ભોગોથી સુખ શાંતિ થાય.

- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ: