Tuesday, 29 July 2014

Understanding Navkar 8.. નવકારની સમજ 8

નવકારની સમજ
આઠમો લેખ
અનંત આત્મિક ક્ષાયિક સમ્યક્-ત્વ ભાવ (યથાર્થ દૃષ્ટિ, સમ્યગ્દર્શન, સમકિત) વિષે જો આ રીતે વિચારતા રહેવાય અને સાથે સાથે સમજતા રહેવાય તો સમ્યક્ (યથાર્થ) જ્ઞાન ક્રિયા થાય અને સમ્યક્-ત્વ સાથે માનસિક તથા આત્મિક સોબત (સંગ) થાય, ધર્મ ધ્યાન થાય:-
સમકિત એટલે યથાર્થ દૃષ્ટિ, એટલે ખરી શ્રધા. યથાર્થ એટલે સમ્યક્, એટલે કે જે જેવું હોય તેવું જ. દૃષ્ટિ એટલે જોવાની રીત, માન્યતા અથવા શ્રધ્ધા.
જો યથાર્થ દૃષ્ટિ હોય તો સાચી વાત સાચી લાગે છે અને ખોટી વાત ખોટી લાગે છે, હિતકારી વાત હિતકારી લાગે છે અને અહિતકારી વાત અહિતકારી લાગે છે.
જો યથાર્થ દૃષ્ટિ હોય તો જે જેવું હોય તેનાથી જુદું ન દેખાય. પણ જેમ કમળો થવાથી સફેદ રંગની ચીજ પીળારંગની દેખાય, તેમ યથાર્થ દૃષ્ટિ ન હોય ને મિથ્યાત્વ (મિથ્યા દૃષ્ટિ) હોય તો ખરી વાત ખરી લાગતી નથી પણ ખોટી લાગે છે. હકીકતમાં જે જેવું હોય તેનાથી ઊલટું લાગે તો એ મિથ્યા દૃષ્ટિ ગણાય છે.
જેવી માન્યતા તેવું વર્તન થાય છે. પૈસાથી બધું મળે એમ માનનારાઓ વધારે પૈસા મેળવવા સ્વેચ્છાએ મહેનત કરતા રહે છે. પરંતુ પૈસાથી સુખશાંતિ ન થાય ને તૃષ્ણા ન રહેવાથી સુખશાંતિ થાય એમ માનનારાઓ સ્વેચ્છાએ તૃષ્ણા રહિત થવાની સમ્યક્ મહેનત કરતા રહે છે. જો માન્યતા ખરી ન હોય તો ઘણી મહેનત નિષ્ફળ જાય છે. એટલે વર્તન સુધારવા માન્યતા સુધરવી જોઈએ, સાચી શ્રધા થવી જોઈએ. જ્યાં સુધી માન્યતા ન બદલાય ત્યાં સુધી વર્તન પણ ન બદલાય.
યા તો માન્યતા સાચી હોય અથવા ખોટી હોય, યથાર્થ હોય અથવા મિથ્યા હોય. લોકમાં જેમ પ્રકાશ અને અંધકાર, એ બેમાંથી કોઈપણ એક તો રહે જ છે, તેમ માન્યતા પણ સાચી અને ખોટી, એ બેમાંથી કોઈપણ એક તો રહેજ છે. માન્યતા પણ સાચી નહિ હોય તો ખોટી રહેવાની જ. ખોટી માન્યતાથી (મિથ્યા દૃષ્ટિથી) હિતેચ્છુઓની વાતો યોગ્ય લાગતી નથી અને બહારથી ઊજળા દેખાતા દંભી લોકોની વાતો અયોગ્ય હોવા છતાં યોગ્ય લાગે છે. પરિણામે ખોટે રસ્તે ચડી જવાય છે અને પાછળથી પસ્તાવો કરવાનો વખત આવે છે. યથાર્થ દૃષ્ટિ ન હોવાથી જગતભરના મનુષ્યો દુન્યવી સાધનો અને સગવડો દ્વારા સુખશાંતિ થશે એમ માનીને સાધનો વિકસાવી રહ્યા છે. પરંતુ પરિણામ ધાર્યા કરતાં ઊંધું આવી રહ્યું છે. સુખશાંતિને બદલે ચારેબાજુ અશાંતિ, ચિંતા અને તાણ વધી ગઈ હોય એવા મનુષ્યો જોવા મળે છે. અઢળક સંપત્તિ ધરાવનારા મનુષ્યોનાં સંતાનો સગવડવાળાં બધાંજ આધુનિક સાધનો વાપરવા છતાં, સુખશાંતિ ન થવાથી હવે સુખશાંતિ માટે યોગીઓને શોધવા જગતભરમાં ભટકી રહ્યા છે.
અનુભવીઓનું કહેવું માની લેવું એ વિશ્વાસ છે. પણ અનુભવીઓનું કહેલું અજમાવીને અનુભવ કરી જોવાથી શ્રદ્ધા થાય છે. આવી શ્રદ્ધા ડગી શકતી નથી. શ્રદ્ધા જ્યાં સુધી હંમેશ માટે અડગ ન થાય ત્યાં સુધી, અનુભવથી જાણેલા સત્યને વારંવાર વિચારતા રહેવું જોઈએ અને સાથે સાથે સમજતા રહેવું જોઈએ, યાદ કરતાં રહેવું જોઈએ.
સાચી શ્રદ્ધા અથવા સાચી અડગ માન્યતા તો સાચી સમજવાળા અનુભવીઓની સાચી વાણીના બળ ઉપર અને પોતાના સાચા અનુભવના બળ ઉપર ઊભી હોય છે. સાચી અડગ માન્યતા થયા વિના સારાં અને ધર્મનાં સમ્યક્ કાર્યો યોગ્ય રીતે થઇ શકતાં નથી. તેથી તે કાર્યોના પરિણામ વિષે જે ખાતરી અપાયેલી હોય, તે પ્રમાણે સારું હિતકારી પરિણામ આવતું નથી અને ઘણીવાર તો નુકશાન પણ થાય છે. સાચી અડગ માન્યતા વિના ધર્મનાં કાર્યો કરનારાઓ અને સમાજસેવા કરનારાઓ પોતાને બીજાઓ કરતાં ઘણા ઊંચા માનતા રહે છે, એટલે કે મદ અને અભિમાનના ભોગ બને છે. સાચી અડગ માન્યતા વિના તપ કરનારાઓને ક્રોધ આવી જાય છે. સાચી અડગ માન્યતા વિના ધર્માંધ અને ધર્મઝનૂની બની જવાય છે. ધર્મના નામે બળજબરી કરાય છે, જુલમ કરાય છે, ગુસ્સો કરાય છે, નિર્દોષોની હત્યા કરાય છે. સાચી અડગ માન્યતા વિના પાળેલા ધર્મથી જેટલો થવો જોઈએ એટલો સુધારો થતો નથી, જે માનવતા આવવી જોઈએ તે આવતી નથી અને જે સદ્ ગુણો પ્રગટ થવા જોઈએ તે પ્રગટ થતાં નથી.
સાચી અડગ માન્યતા, એટલે કે યથાર્થદૃષ્ટિ થઇ ન હોય તો અનુભવીઓનું જણાવેલું યથાર્થજ્ઞાન ભણવા છતાં તેના માટે તે મિથ્યાજ્ઞાન (ઊલટુંજ્ઞાન) થઇ જાય છે તેથી, એ જ્ઞાનનો સદુપયોગ થઇ શકતો નથી. એટલે જે લાભ થવો જોઈએ તે થતો નથી, જે હિત થવું જોઈએ તે થતું નથી.
યથાર્થદૃષ્ટિ હોય તો જગતનું સાકાર રૂપ અને નિરાકાર બાબતોમાં સાકાર પૌદ્ ગલિક્ ચીજો સતત બદલાતી હોવાનું દેખાય છે અને જીવાત્મોની નિરાકાર સમજણ વારંવાર બદલાતી જણાય છે. પરંતુ પૂરેપૂરા શુદ્ધ આત્માઓની સમજણ હંમેશ માટે એકસરખી જળવાઈ રહે છે અને ક્યારેય બદલાતી નથી તથા દેહધારી કેવળજ્ઞાનીઓની સમજણ પણ હંમેશાં એકસરખી રહે છે અને ક્યારેય બદલાતી નથી એમ જણાય છે. યથાર્થદૃષ્ટિથી સમજાય છે કે કોઈ પણ સાકાર ચીજો અને દેહધારી જીવોના હંમેશ માટે માલિક બની શકાતું નથી, પણ તે બંને અમુક સમય સુધીજ પોતાના કબજામાં રાખી શકાય છે તેમજ વાપરી શકાય છે. એ બંનેય સુખશાંતિ આપી શકતાં નથી, પણ તેમના પર આસક્તિ અને મમતા રાખવાથી દુઃખ-અશાંતિ થાય છે. પરંતુ જો આસક્તિ અને મમતા ન હોય તો, કોઈપણ ચીજોથી દુઃખ-અશાંતિ થઇ શકતી નથી. સાકાર ચીજોનો વિયોગ ક્યારેક ને ક્યારેક તો થાય છે.
યથાર્થદૃષ્ટિથી સમજાય છે કે જેમને આસક્તિ કે મમતા નથી હોતી, તેમને કોઈ જાતની અપેક્ષા રહેતી નથી. આ નિરપેક્ષ સ્થિતિને લીધે સુખશાંતિ થાય છે. કોઈ અપેક્ષા ન રહેવાથી નિ:સ્વાર્થ થવાય છે. તેથી શુદ્ધપ્રેમ (નિ:સ્વાર્થ પ્રેમ), સાચી મૈત્રી અને ખરી સેવા વગેરે સદ્-ગુણો પ્રગટ થાય છે, જેનાથી સુખશાંતિ થાય છે.
યથાર્થદૃષ્ટિને લીધે જે જેવું હોય તેનાથી ઊલટું દેખાતું નથી, એટલે જે હિતકારી હોય તે અહિતકારી દેખાતું નથી અને જે અહિતકારી હોય તે હિતકારી દેખાતું નથી. આને લીધે ઊંધા પ્રયત્નો કરવામાંથી બચી જવાય છે, એટલે સમય અને શક્તિ વગેરે વેડફાતાં નથી. યથાર્થદૃષ્ટિને લીધે સાચી દિશામાં સમ્યક્ પ્રયત્નો થવા લાગે છે.
યથાર્થદૃષ્ટિને લીધે દેખાય છે કે દેહ, નામ, સગાં-સંબંધી, ધનદોલત વગેરે હંમેશ માટે સાથે રહેતાં નથી. એ બધાનો સદુપયોગ કરવાથી ભલું થાય છે તથા દુરુપયોગ કરવાથી બૂરું થાય છે.
યથાર્થદૃષ્ટિને લીધે સમજાય છે કે પોતે જાણતાં કે અજાણતાં કરેલા ગુનાની સજારૂપે પોતાનું બગડે છે. જો પોતે પહેલાં ક્યારેય ખરાબ કર્યું ન હોય તો પોતાનું બૂરું જરાય થઇ શકતું નથી. આમ હકીકતને સ્વીકારવાથી તેઓ ઝઘડા અને વેરબંધનથી બચી જાય છે.
યથાર્થદૃષ્ટિને લીધે દેખાય છે કે કોઈ પણ જીવાત્માને દુઃખ-અશાંતિ જોઈતા નથી, પણ સુખ-શાંતિ તો સૌને જોઈએ છે. આમ જોઈ શકવાથી તેઓ પોતાના હાથે કોઈને પણ દુઃખ-અશાંતિ ન થઇ જાય એવા પ્રયત્નો કરે છે અને સૌને સુખ-શાંતિ થવામાં મદદરૂપ થવાય એવા પ્રયત્નો કરતાં રહે છે. તેથી તેઓ સૌને ગમે છે.
યથાર્થદૃષ્ટિ થવાથી સમજાય છે કે મોજશોખ માટે અને તકલીફોથી બચવા માટે જે કંઈ સારાં કામો કરાય છે તેનાથી શરૂઆતમાં લાભ થાય છે, પણ પછી વારંવાર નુકશાન થતું રહે છે. પરંતુ કોઈ પણ જાતના દુન્યવી સ્વાર્થ વિના, માત્ર કરુણાને લીધે જે સારાં કામો થાય છે તેનાથી પહેલાં તેમજ પછી, વારંવાર, લાભ થતો રહે છે. યથાર્થદૃષ્ટિ થવાથી પોતાની મેળે કરુણા જાગે છે.
યથાર્થદૃષ્ટિ થયા પછી જે સારાં અને ધર્મનાં હિતકારી કાર્યો થાય છે તેનું પરિણામ ઘણું જ સુંદર આવે છે. તેનાથી સદ્-ગુણો પ્રગટે છે અને દુન્યવી લાભો પણ થાય છે, કે જેમાં આસક્તિ બિલકુલ હોતી નથી.
જેમને પણ યથાર્થ અનુભવ થયો છે, તેમનું કહેવું છે કે સુખ-શાંતિ બહાર ક્યાંય નથી પણ પોતાની અંદર જ છે. જ્યારે મન કે ઇન્દ્રિયોના વિષયભોગો ભોગવ્યા વિના જ એ અદ્-ભુત શાંતિમય સુખનો અનુભવ થાય છે, ત્યારે સાચી શ્રદ્ધા બેસે છે, અડગ યથાર્થદૃષ્ટિ થાય છે, અડગ સાચી માન્યતા થાય છે.
યથાર્થદૃષ્ટિ (અડગ સાચી માન્યતા, સાચી શ્રદ્ધા) થયા પછી જ્યારે પણ જૂની ટેવને લીધે અયોગ્ય (પ્રયત્ન) વર્તન થઇ જાય છે, ત્યારે પોતે યોગ્ય કરતો નથી એટલું તો તેને સમજાય જ છે. પોતે હજી અયોગ્ય કરવાનું છોડી શકતો નથી, તેનું તેને દુઃખ રહે છે અને ખોટું કર્યા બદલ પસ્તાવો થાય છે. આમ થતું રહેવાથી અયોગ્ય (અહિતકારી) કાર્યો કરવાનું ઓછું થતું જાય છે અને છેવટે બંધ થઇ જાય છે. ત્યારે યોગ્ય (હિતકારી) કાર્યો કરવાનું આપોઆપ શરૂ થઇ જાય છે, જેમાં વધારો થતો રહે છે. તેને લીધે પ્રતિકૂળતાઓ ઘટતી જાય છે અને અનુકૂળતાઓ વધતી જાય છે તથા સુખ-શાંતિ પણ વધતાં જાય છે.
સાચી શ્રદ્ધા થયા વિના, માત્ર કોઈના કહેવાથી અથવા લાલચથી કરાતાં સારાં કાર્યો વધુ સમય સુધી ચાલુ રાખી શકાતાં નથી અને આગળ જતાં બંધ થઇ જાય છે.

યથાર્થદૃષ્ટિ પ્રગટ થવાથી પોતાને અને બીજાઓને કેવા કેવા દુન્યવી અને આત્મિક લાભ થાય છે તથા મિથ્યાદૃષ્ટિ થવાથી પોતાને અને બીજાઓને કેવાં કેવાં દુન્યવી અને આત્મિક નુકશાન થાય છે, એ સમજપૂર્વક જોતા રહેવાથી, મિથ્યાદૃષ્ટિ દૂર કરવાની અને સમ્યક્ દૃષ્ટિ જાળવી રાખવાની પ્રેરણા મળતી રહે છે.
સંપૂર્ણ યથાર્થદૃષ્ટિ હંમેશ માટે સતત પ્રગટ રહે ત્યારે આત્માની પરમ પવિત્ર સ્થિતિ થઇ જાય છે, જેનાથી શાશ્વત, અખંડ અને વધુમાં વધુ સુખ-શાંતિ અનુભવાતાં રહે છે. આવા આત્મા એટલે પરમ આત્મા.
આ યથાર્થદૃષ્ટિ (સાચી શ્રદ્ધા, અડગ સાચી માન્યતા) આત્મામાં રહે છે. તે આંખોથી જોઈ શકાતી નથી, પણ કોનામાં કેટલી યથાર્થદૃષ્ટિ પ્રગટ થઇ છે તેને આત્મા સમજી શકે છે, જાણી શકે છે. તેનાં ચિત્ર કે મૂર્તિ બનાવી શકાતાં નથી, એટલે યથાર્થદૃષ્ટિ નિરાકાર છે, અરૂપી છે, અદૃશ્ય છે. તેને છેદી, ભેદી, કાપી, બાળી કે ડુબાવી શકાતી નથી. વળી તેનાથી હિતકારી સત્કાર્યો થાય છે, સદાચાર થાય છે, અનુકૂળતાઓ અને સગવડો થાય છે તથા સ્વસ્થતા અને સુખશાંતિ થાય છે. તેથી યથાર્થદૃષ્ટિ એ નિર્ગુણ એવો આત્મિક સદ્ગુણ છે, ચૈતન્યમય સદ્-ગુણ છે.
કેવળજ્ઞાનીઓનું કહેવું છે કે “યથાર્થદૃષ્ટિ” આત્માનો ગુણ છે. આ યથાર્થદૃષ્ટિ સદ્-ગુણમાં આત્મા જેટલો સમય રહે છે, એટલો સમય ધર્મમાં હોય છે અને જેટલો સમય યથાર્થદૃષ્ટિ સદ્-ગુણમાં ન રહે, એટલો સમય અધર્મમાં હોય છે.
આ રીતે યથાર્થદૃષ્ટિ વિષે અને યથાર્થદૃષ્ટિવાળા સજ્જનો, મહાત્માઓ અને પરમ આત્માઓના યથાર્થદૃષ્ટિથી ભરેલા પ્રસંગો વિષે સમજપૂર્વક સાંભળતા રહેવાથી, વાંચતા રહેવાથી, વિચારતા રહેવાથી, બોલતા રહેવાથી, લખતાં રહેવાથી અને જોતા રહેવાથી સોબત, સત્સંગ, સ્વાધ્યાય, ધ્યાન અને ભક્તિ થાય છે. આ સોબત વગેરે બધાં ઘણા જ ઉત્તમ પ્રકારના હોય છે. જ્યારે પણ ફુરસદ મળે અને જેમાં ચિત્ત રોકવું ન પડે એવી સર્વ પ્રવૃતિઓની સાથે આમ સોબત વગેરે કરતાં રહેવાથી આપોઆપ યથાર્થદૃષ્ટિ પ્રગટ થવા લાગે છે.

યથાર્થદૃષ્ટિ સદ્-ગુણથી કેવા કેવા આત્મિક અને ભૌતિક લાભ થાય અને કેવાં કેવાં આત્મિક અને ભૌતિક નુકસાન થવાનું બંધ થાય એ વિચારતા રહેવાથી અને સાથે સાથે સમજતા રહેવાથી આપણામાં પોતાની મેળે યથાર્થદૃષ્ટિ પ્રગટ થતી જાય છે.

- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ: