Thursday, 17 October 2013

Understanding Navkar 7.. નવકારની સમજ 7


નવકારની સમજ

સાતમો લેખ


કેવળજ્ઞાની અરિહંતોને શાશ્વત કાલ માટે પૂરેપૂરું સમજાઈ ગયું છે કે પોતે પૌદ્ ગલિક દેહ નથી પણ શુદ્ધ આત્મા છે અને પોતાનાં શુદ્ધ આત્મા સિવાય બીજું કંઈ પણ પોતાનું નથી અને પોતાનું થઇ શકે એમ નથી.
આમ પોતે મનુષ્યદેહ છે એવો તેમનો (ભ્રમ) મોહ, પોતાનાં શુદ્ધ આત્મા સિવાયના જડ નામ, હોદ્દો, ચીજો  અને દેહધારી ચેતન જીવો પોતાનાં છે એવો તેમનો (ભ્રમ) મોહ, પાંચ ઇન્દ્રિયોના વિષયભોગો, માનસિક વિષયભોગો અને જાતીય વિષયભોગો ભોગવવાથી સુખશાંતિ થાય છે એવો તેમનો (ભ્રમ) મોહ શાશ્વત કાલ માટે પૂરેપૂરો દૂર થઇ ગયો છે. ક્રોધ, માન (એટલે કે મદ અને અભિમાન), માયા-કપટ અને લોભ એ ચાર કષાયો નકામા અને નુકશાન કરનારા છે તથા હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંષકવેદ એ નવ નોકષાયો કષાયો ઉપજાવનારા છે એ તેમને પૂરેપુરું સમજાઈ ગયું છે અને શાશ્વત કાલ માટે યાદ રહી ગયું છે, તેથી તેમનો મોહનીયકર્મ શાશ્વત કાલ માટે પૂરેપૂરો દૂર થઇ ગયો છે. તેથી આ મોહનીયકર્મના આધારે ટકી રહેલા અંતરાયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મ, એ ત્રણેય કર્મો શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થઇ ગયા છે.

પરંતુ હજી તેમના આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ, એ ચાર કર્મો બાકી હોવાથી અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરૂલઘુતા અને અવ્યાબાધપણું, એ ચાર આત્મિક ગુણો સિવાયના બધા આત્મિક સદ્-ગુણો જેવાકે, અનંત ક્ષાયિક સમકિત (સમ્યક્ત્વ, સમ્યગ્દર્શન, યથાર્થ દૃષ્ટિ), અનંત ક્ષાયિક સમ્યક ચરિત્ર, અનંત ક્ષાયિક કેવલજ્ઞાન, અનંત ક્ષાયિક કેવલ દર્શન, અનંત ક્ષાયિક દાન, અનંત ક્ષાયિક લાભ, અનંત ક્ષાયિક ભોગ, અનંત ક્ષાયિક ઉપભોગ, અનંત ક્ષાયિક વીર્ય એ નવ ક્ષાયિક સદ્-ગુણો તથા અનંત જાગૃતિ, અનંત સમતા (વીતરાગતા, અનાસક્તિ), ઈચ્છારહિતતા, અપેક્ષારહિતતા, પ્રસન્નતા, સુખશાંતિ, નિ:સ્વાર્થ મૈત્રી - નિ:સ્વાર્થ પ્રેમ, નિ:સ્વાર્થ સેવા, સમ્યક્ તપ, સદાચાર, ક્ષમાભાવ, નમ્રતાભાવ, સરળતાભાવ, સંતોષભાવ, કરુણાભાવ, દયાભાવ, બ્રહ્મચર્યભાવ, નીડરતા, ઉદારતા, સ્વતંત્રતા, સંપ, સ્વાધીનતા, ઉધ્યમતા, ધીરજ, સાહસિકતા વગેરે બધા આત્મિક સદ્ગુણો શાશ્વત કાલ માટે પૂરેપૂરા પ્રગટ થઇ ગયા છે.